મુંબઈના વેપારીની આંખમાં મરચું નાખી લૂંટ આચારનાર પકડાયા

સીટીએમ એકસપ્રેસ હાઈવે નજીક મુંબઈના એક વેપારીની આંખમાં મરચાંની ભૂકી નાંખીને રૂ. આઠ લાખની લૂંટના ગુનાનો ક્રાઈમ બ્રાંચે ભેદ શોધી કાઢ્યો છે. પોલીસે લૂંટ કરનારા રિક્ષાચાલક અને તેના સાગરીત મળી ત્રણ આરોપીઓની અટકાયત કરવાની સાથે રૂ. 6.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાણીપ બકરામંડીમાં બકરાની ખરીદી કરવા માટે મુંબઈથી આવતા વેપારી સીટીએમ વડોદરા એકસપ્રેસ પાસે ઊભા હતા તે દરમિયાન આંખમાં મરચાંની ભૂકી નાખી ત્રણ અજાણ્યા ઇસમો આઠ લાખ ભરેલી બેગ લૂંટી પલાયન થઈ ગયા હતા.
જે બનાવ અંગે ક્રાઈમ બ્રાંચના પીઆઈ બી.એસ.સુથારની ટીમે બાતમીના આધારે આરોપી મકબુલ આલમ ઉર્ફે ભોલુ અંસારી( ઉ.42 રહે. રખિયાલ), જાહીદ ગુલામમયુદીન શેખ( ઉ.36 રહે. માધુપુરા) તેમજ મોહસીન મહંમદખાન મકરાણી( ઉ.37 રહે.રાણીપ બકરામંડી)ની અટકાયત કરી હતી.
આરોપીઓ પૈકી મકબુલ ઉર્ફે ભોલુ ઓટોરિક્ષા ચલાવતો હોવાટી રાણીપ બકરામંડીમાં આવતા ઘણા વેપારીઓના સંપર્કમાં હતો. બહારથી આવતા વેપારી ફોન કરીને તેને બોલાવી અમદાવાદમાં ફરતા હતા. આ જ રીતે મુંબઈના વેપારી દર મંગળવારે રાણીપ બકરામંડીમાં ખરીદી કરવા આવતા હોવાટી, તે હંમેશાં મકબુલને બોલાવતા હતા. મકબુલે પોતાના મિત્રો સાથે મળીને આ વેપારીને લૂંટવાની યોજના ઘડી હતી .