કડીના સોનવડ નજીક નજીવી બાબતમાં અદાવત રાખી યુવાન પર છરી વડે હુમલો કરાયો

copy image

કડી તાલુકાના કોલાદ સોનવડ વચ્ચે નજીવી બાબતમાં અને અદાવત રાખીને યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવતા યુવાનને હોસ્પિટલ મધ્યે ખસેડાયો હતો. જ્યાં બાવલુ પોલીસે પતિ અને પત્ની ઉપર ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના સોનવડ ગામમાં રહેતા જેસંગજી ઠાકોર કે પોતે ખેતી કરીને પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. કોલાજ ગામમાં કાળકા માતાજીનો ગરબો હોવાથી જેસંગજી ઠાકોર તથા તેમના કુટુંબી ભાઈ પોતાની માલિકીનું બાઈક લઈને રાત્રિ દરમ્યાન જોવા માટે ગયા હતાં. જ્યાં સોનવડ અને કોલાદની વચ્ચે આવેલા એચ.પી ગેસ એજન્સી નજીક પહોંચતા તેમના જ ગામના બચુજી ઠાકોર અને તેમના પત્ની ઊભાં હતાં અને જેસંગજીને હાથ લાંબો કરીને ઉભા રાખીને કહ્યું હતું કે, તમે લોકોએ પૂર્વે અમારી ઘરે રહેતા અલ્પેશ ઠાકોર ઉપર ખોટો કેસ કર્યો છે. તેવું કહીને મન ફાવે તેમ ગાળાગાળી કરવા મંડ્યા હતા.

તે દરમ્યાન જેસંગજી ઠાકોરે કહ્યું કે, આ અંગે હું કંઈ જાણતો નથી. તમે મારી સાથે ચર્ચાઓ નહીં કરો મને જવા દો મારે મોડું થાય છે. તેમ કહેતા જ બચુજી ઠાકોરે પાસે રહેલી છરી વડે જેસંગજી પર હુમલો કર્યો હતો. જ્યાં બચુજી ઠાકોરની પત્નીએ પણ જેસંગજી ઠાકોર ઉપર ગડદાપાટુંનો માર મારતા જોડે રહેલા તેમના ભાઈએ મારમાંથી બચાવ્યાં હતાં અને હુમલાખોર પતિ-પત્ની ત્યાંથી નાસી ગયા હતા. શખ્સને ઇજાઓ થતાં તેઓને હોસ્પિટલ મધ્યે ખસેડાયા હતાં. જ્યાં બાવલુ પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.