રાજકોટના શાપરમાં કારખાનામાં રસોઈ બનાવતા સમયે ગેસ લિકેજ થતા આગ ભભૂકી ઉઠતાં દંપતી અને 3 બાળકો ગંભીર રીતે દાઝ્યા

રાજકોટના શાપર-વેરાવળમાં એસ.કે. ફોર્જિંગ પાછળ ઓરડીમાં રહેતાં મૂળ બિહારનો શ્રમિક પરિવાર આજે સવારે રસોઈ બનાવી રહ્યો હતો તે દરમિયાન જ ગેસ લિકેજ થતા આગ લાગી ગઈ હતી. આગની ઝપેટમાં આવતા દંપતી અને તેના ત્રણ સંતાનો ગંભીર રીતે દાઝી ગાતા હતા. આથી તમામને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર મૂળ બિહારનો ધરમ રામનારાયણ ભારતીયા, તેની પત્ની સુષ્મા-કુસુમા અને ત્રણ દિકરીઓ પ્રિયાંશા (ઉં.વ.6), શિવાની (ઉં.વ.4) અને આકાંક્ષા (દોઢ વર્ષ) સવારે છ વાગ્યે દાઝી જતાં 108 વડે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી.
ધરમના કહેવા અનુસાર તે મૂળ બિહારનો વતની છે અને ત્રણેક વર્ષથી શાપર રહી સાણસીના કારખાનામાં કામ કરે છે. સવારે નાસ્તા માટે ભાત બનાવતા સમયે ગેસના ચુલામાં ભડકો થયા પછી આગ ભભૂકતાં રૂમ નાનો હોવાથી ઉંઘી રહેલી ત્રણ દીકરીઓ તેમજ પોતે દાઝયો હતો. પત્ની પણ પગના ભાગે સ્હેજ દાઝી ગઈ હતી. આગ લાગતાં દેકારો મચી જતાં બીજી ઓરડીઓમાંથી શ્રમિકો દોડી આવ્યા અને આગ બૂઝાવી હતી.