કારના કાચ તોડી ચોરીને અંજામ આપતો ચોર પકડાયો

વૈભવી કારના કાચ તોડી તેમાંથી કીમતી ચીજ-વસ્તુઓની ચોરી કરનાર ઇસમને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વે આવા ગુનામાં પણ તેની સંડોવણી બહાર આવી છે, જ્યારે તેના સાગરીતની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ પીબી દેસાઈ પોતાની ટીમ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમય દરમિયાન પાણીગેટ અજબડી મિલ પાસેથી પસાર થઈ રહેલા મહંમદ ફિરોજ ઉર્ફે ભંડારી રફીક ખલીફા (મદાર માર્કેટ સામે, માંડવી રોડ)ને શંકાસ્પદ હાલતમાં પકડી પાડ્યો હતો.
તેની પાસેથી મળેલા લેપટોપ, મોબાઈલ ફોન, રોકડ રકમ અંગે પૂછપરછ કરતાં તેણે ગત 1 તારીખે સાગરીત સોહિલ નજીમભાઈ સાથે સુરસાગર પ્રિન્સ ટોકીઝ પાસે પાર્ક કરેલી કારનો કાચ તોડી લેપટોપ, મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા ઉઠાવ્યા હોવાનું કબૂલ્યું હતું.
મહંમદ ફિરોજ પૂર્વે રાવપુરા પોલીસ મથકમાં કારના કાચ તોડી ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવા ઉપરાંત પાણીગેટ પોલીસ મથકમાં પણ વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું.