ધનસેરા ચેક પોસ્ટ પર ગુજરાતમાં ગાંજો લાવતા એક મહિલા સહિત એક શખ્સની ધરપકડ, 1 લાખના ગાંજા સાથે મુદ્દામાલ કબ્જે

copy image

વિધાનસભાની ચુંટણીઓને લઈને નર્મદા જિલ્લાના મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા સરહદો ઉપર વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે. મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા ધનસેરા ચેક પોસ્ટ નજીક મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં માદક પદાર્થ ગાંજો લાવતા એક મહિલા સહિત એક શખ્સને સાગબારા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.વી.પાટીલ સહિતના પોલીસ સ્ટાફે પકડી પાડ્યા અને રૂપિયા 99820 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સાગબારાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.વી પાટીલ સહિતના પોલીસ જવાનો ચેકીંગ કરી રહ્યા હતા તે દરમિયાન મહારાષ્ટ્ર રાજ્ય તરફના જલગાંવ તરફથી આવતી અને અંકલેશ્વર તરફ જતી બસને ઉભી રાખી તેની તપાસ કરવામાં આવતા બસમાં મુસાફરી કરતા આરોપી વટવા, અમદાવાદ રહેવાસી રઈસભાઇ રશિદભાઈ શૈખ પાસેથી 5.935 કિલોગ્રામ સુકો ગાંજો મળી આવ્યો હતો, જ્યારે તેની સાથે મુસાફરી કરતી અન્ય એક મહિલા રીઝવાનાબાનું અનવર મન્સુરી પાસેથી સુકો ગાંજો 4.047 કિલો ગ્રામ મળી આવ્યું હતું. આ તમામ ગાંજાની મહારાષ્ટ્રની કિંમત રૂ.99820 તથા મોબાઈલ ફોન સહિત રોકડ રકમ મળી પોલીસે રૂપિયા 1 લાખની કિંમતનો લગભગ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા આ ગાંજો મહારાષ્ટ્રના ભૂષાવલનો આસિફ કે જેણે ગાંજાનો જથ્થો આ બંને આરોપીઓ સાથે અમદાવાદની એક મહિલા બુટલેગર મુકીમ અપ્પાએ મંગાવ્યો હોવાથી આ બંને કેરિયર તરિકેનું કામ કરતા હોવાનું જણાવ્યું હતું .જેથી આ બંને આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યાં અને નાર્કોટિક્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.