અબડાસાના વાડાપદ્ધરમાં ચોરાઉ ઓઈલના જથ્થા સાથે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો

copy image
અબડાસા તાલુકાના વાડાપદ્ધરમાં ચોરાઉ ઓઈલના જથ્થા સાથે પોલીસે ચોરને પકડી પાડયો હતો. મળતી વિગતો અનુસાર પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી વાયોર પોલીસ દ્વારા ગત મોડી રાત્રિના આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપી જુમા ભારમલ પઢિયારે પોતાના કબ્જાના વાડામાં ચોરાઉ ઓઈલ રાખ્યું હોવાની બાતમી મળી હતી. આરોપીના ઘર પાસે જઈને તપાસ કરવામાં આવતા છોટાહાથી છકડામાં અલગ અલગ કેરબામાં ભરેલું ઓઈલ મળી આવ્યું હતું. કબ્જે કરવામાં આવેલ ઓઈલની કિંમત રૂા. 40,500 અંકાઇ છે. આરોપીની પૂછપરછ કરવામાં આવતા તેણે જિજ્ઞેશ જોષી અને મામદ ઉર્ફે અધાપા (રહે બરંદાવાળા) સાથે મળીને એક મહિના સુધીના સમયગાળામાં વાયોર સીમમાં આવેલી પવનચક્કીમાંથી એક મહિનાના ગાળામાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીએ પવનચક્કીના ટ્રાન્સ્ફોર્મરની ટેન્કમાંથી ઓઈલની ચોરી કરી હતી. આરોપીના કબ્જામાથી જી.જે. 12.- બી. ડબલ્યું. – 8966 નંબરનો છકડો પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.