ભચાઉના શિકારપુરમાં હત્યાના આરોપીને પકડવા પહોચતા આરોપી ન મળ્યો, પરંતુ પુત્ર બે બંદૂક સાથે જબ્બે

copy image

ભચાઉ તાલુકાના શિકારપુર ગામમાં હત્યાના ગુનામાં નાસતો ફરતો આરોપી આવ્યો હોવાની બાતમીના આધારે સામખિયાળી પોલીસે તેના ઘરે રેડ પાડતા જે આરોપીને પકડવા ગયા તે આરોપી હાજર મળ્યો ન હતો પરંતુ તેનો પુત્ર પરવાના વગરની બે બંદૂક સાથે ઝડપાયો હતો.

સામખિયાળી સીનિયર પીએસઆઇ વાય.કે.ગોહિલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, તેમને બાતમી મળી હતી કે વર્ષ-2020 માં નોંધાયેલા હત્યાના ગુનામાં નાસતો ફરતો આરોપી હાજી આમદ ત્રાયા હાલ શિકારપુર કોલીવાસમાં પોતાના ઘરે આવ્યો છે.આ બાતમીના આધારે ટીમ બનાવી તેના ઘરે રેડ પાડતાં હાજી આમદ ત્રાયા તો હાજર મળ્યો ન હતો પણ તેના ઘરની પાછળના વાડામાં કાંટાળી વાડ પાસે એક શખ્સ હરકત કરતો જોવા મળતાં પોલીસે ત્યાં જઇ તપાસ કરતા કાંટાળી વાડમાં છૂપાવેલી બે સિંગલ નાળ વાળી મજલ લોડ બંદૂકો મળી આવી હતી.

આ હથિયારના આધાર પુરાવા ન હોવાથી રણમલ ઉર્ફે રાણો હાજી ત્રાયાને રૂ.10,000 ની કિંમતની બે બંદૂકો , અને રૂ.5,000 ની કિંમતના મોબાઇલ સહિત કુલ રૂ.15,000 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી તેના સામે હથિયારધારાની કલમો તળે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.