જામનગરમાં રહેણાંક મકાનમાં દરોડો પાડતા અડધો કિલો ગાંજા સાથે વૃદ્ધ પકડાયા

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપની ટીમે એક રહેણાંક મકાનમાં રેડ પાડી માદક પદાર્થ ગાંજાના અડધો કિલો જથ્થા સાથે વૃધ્ધને ઝડપી પાડયો હતો. પોલીસે ગાંજાનો જથ્થો જપ્ત કરી એનડીપીએસ એકટ તળે ગુનો દાખલ કરી ઝડપાયેલા ઈસમની સધન પુછતાછ સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી વિગત અનુસાર શહેરમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપના પીઆઇ બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.ડી .પરમારના નેતૃત્વમાં પેટ્રોલિંગ કરતા સમયે સ્ટાફના અરજણભાઇ કોડીયાતર અને સોયબ મકવા સહિતની ટીમને શંકર ટેકરી વિસ્તારમાં પાણીના ટાંકા નજીક એક રહેણાંક મકાનમાં માદક પદાર્થ ગાંજાનો વેચાણના ઇરાદાથી સંગ્રહ હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે અલી આમદભાઇ બ્લોચના રહેણાંક મકાનમાં રેડ પાડી હતી.
જે રેડ દરમિયાન અંદરથી માદક પદાર્થ ગાંજાનો 500 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે રૂ. પાંચ હજારની કિંમતનો ગાંજો સહીત રૂ. 8,260નો મુદામાલ જપ્ત કર્યો હતો અને એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.