ચોટીલા પાસે  અજાણ્યા વાહને બાઇકને ઠોકર મારતા પિતાની નજર સમક્ષ પુત્રનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના પિયાવા ગામ નજીક અજાણ્યા વાહને બાઇકને ઠોકર મારતા પિતાની નજર સામે જ પુત્રનું મૃત્યુ થયું હતું.અકસ્માત સર્જી વાહન ચાલક ભાગી ગયો હતો. નાસી ગયેલા વાહન ચાલક વિરુદ્ધ ચોટીલા પોલીસે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ચોટીલાના મફતીયાપરામાં રહેતા હેમંતભાઈ મેઘાભાઈ જાદવ (ઉ.વ.35) બાઇક ચલાવતા હતા અને  તેઓના પુત્ર અભય હેમંત (ઉ.વ.12) અને માનવ હેમંતભાઈ (ઉ.વ.10) બેઠા હતા. તેઓ ભાડલાના મંદિરે પુત્ર માનવની માનતા પુરી કરી ચોટીલા પરત ફરી રહ્યા હતા આ દરમિયાન રસ્તામાં પિયાવા ગામની ગોળાઇ નજીક અજાણ્યા વાહને બાઇકને ટક્કરે લેતા  હેમંતભાઈ અને તેમના બંને પુત્ર રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. ત્યાં પિતાની નજર સામે જ પુત્ર અભયનું મૃત્યુ થયું હતું. જ્યારે હેમંતભાઈ અને તેમના પુત્ર માનવને ઇજા થતાં સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ચોટીલા પોલીસે અકસ્માત સર્જનારા વાહન ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.