સુરતના ખટોદરામાં ઈશિતા ફેશનમાં આગ ભભૂકી: કાપડનો જથ્થો બળીને ખાક,સદભાગ્યે કોઈ જાનહાની નહી
copy image
ઉધના ખટોદરા નવજીવન સર્કલ નજીક ઉધના વાહન ડેપોની સામે ઈશિતા ફેશન નામના શો રૂમમાં આગ ભભૂકી ઉઠી હતી. સાડી, લેડીસ કુર્તા, ગ્રાઉન સહિતનો જથ્થો બળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.
ખટોદરા વિસ્તારમાં ઈશિતા ફેક્ટરી આઉટલેટમાં અચાનક સવારના અરસામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ફેક્ટરી આઉટલેટમાંથી ધુમાડો નીકળતા આજુબાજુના લોકોને આગ લાગી હોવાની જાણ થઈ હતી. અચાનક આગ લાગતા ગ્રાઉન્ડ ફ્લોરમાં માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો. આગ લાગવાની ઘટના બનતા જ ફાયર વિભાગ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતા આઉટલેટના માલિક તથા સ્ટાફ પણ દોડી આવ્યો હતો.
ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, આગ ગ્રાઉન્ડ ફ્રલોરમાં લાગી હતી. જે પહેલા માળે પણ વધુ ફેલાઈ ન હતી તે પહેલા જ આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગ કયા કારણસર લાગી તે હજી જાણવા મળ્યું ન હતું. આગ ઉપર કાબૂ મેળવવા માટે મજુરા, માન દરવાજા, નવસારી બજારની 2-2 ગાડી અને ડુંભાલ ફાયર સ્ટેશનની એક ગાડીની મદદ લેવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.