આધોઈમાં બાપ દિકરાએ ધોકા ધારીયાથી માર મારી ‘ખેતર ખાલી કરી દેજે, નહિતર મજા નહી આવે’ની ધમકી આપતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
સામખિયાળી પોલીસ મથકમાં સંદિપકુમાર જયંતીલાલ રાજગોરે ફરિયાદમાં જણાવ્યું કે તેઓ આધોઈ ત્રણ રસ્તા પાસેથી નિકળ્યા ત્યારે ગામડાના ધીરજ છગન કોલી ધોકા સાથે અને તેનો દિકરો સુરેશ ધીરજ કોલી હાથમાં ધારીયુ લઈને ઉભા હતા. બંને જણાએ ફરિયાદીને ઉભો રાખીને કહ્યુ કે “ખેતરનું શું કરવાનું છે? તે ખાલી કરી દેજે નહીતર મજા નહી આવે’ ફરિયાદીએ “તમારુ ખેતર હોય તો તમે લઈ જાવો’ તેમ કહેતા બંને ઉશ્કેરાઈ જઈ ધોકાથી માર મારી અપશબ્દો આપીને બીજી વાર ખેતરમાં આવતો નહિ કહીને ગયા હતા. પગમાં દુખાવો થતો હોવાટી આધોઈ સરકારી હોસ્પિટલ અને બાદમાં ખાનગી હોસ્પિટલ જતા ત્રણ ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.