રાજકોટના મોણપર ગામમાં ટ્રેકટર અને બાઈકનો અકસ્માત સર્જાયો: બાઇક ચાલક યુવકનું મોત
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મોણપર ગામમાં પશુપાલનનો વ્યવસાય કરતાં લલિતભાઈ સાંજના બાઇક લઈ જેતપુર દૂધનું છૂટક વેંચાણ કરવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન ગામથી આગળ શીતળામાતાજીના મંદિર નજીક પાછળથી પુર ઝડપે આવેલા અજાણ્યાં ટ્રેકટર ચાલકે ઠોકરે લેતાં રોડ પર પટકાઈ ગયા અને માથામાં ગંભીર ઇજા થઈ હતી. ઘટનાની જાણ થતાં તેના નાનાભાઈ ઘટનાસ્થળે પહોંચી બેભાન હાલતમાં જેતપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ કરતાં મૃત ઘોષિત કર્યા હતાં. ઘટનાની જાણ થતાં જેતપુર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. મૃતકના ભાઈની ફરિયાદ પરથી અકસ્માત સર્જી ભાગી ગયેલા અજાણ્યાં ટ્રેકટર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.