રાજકોટના યાજ્ઞિક રોડ પર દારૂ ભરેલી બેગ મળી આવતા ટોળાએ બોટલો લેવા કરી પડાપડી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થયાને હજુ થોડો જ સમય વિત્યો છે ત્યાં તો રાજકોટમાં દારૂબંધીના કાયદાના ચીથરેચીથરા ઊડી ગયા હોય તેવી ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના હાર્દ સમાન અને સેન્ટર પોઇન્ટ કહેવાતા યાજ્ઞિક રોડ પર કોઈ અજાણ્યા ઈસમની દારૂ ભરેલી બેગ પડી જતાં એ સમયે સ્થાનિકોને બેગમાં દારૂ છે એવી જાણ થતાં ગણતરીની સેકન્ડમાં ટોળું એકઠુ થઈ ગયું હતું અને દારૂની બોટલો લેવા માટે લૂંટ મચાવી હતી. જોકે એ સમયે પોલીસના આવવાના એંધાણ આવી જતાં તરત જ ટોળું બેગની આજુબાજુથી દૂર થઈ ગયું હતું. ટોળાએ બેગમાંથી લઈ શકાય એટલી દારૂની બોટલો લઈને ત્યાંથી નાસી ગયું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં ઉપસ્થિત એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો હતો અને હાલ એ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ પ્રકારે દારૂ ભરેલી બેગ મળી આવતાં અનેક પ્રકારના તર્કવિતર્ક ઊભા થયા છે.