ડાંગમાં મેળામાં દારૂ વેચવા આવેલા 4  શખ્સને 29,465ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના શેપુઆંબા ગામમાં દર માગશરની પૂનમે કનસર્યા ગઢ મધ્યે કનસર્યા દેવનો મેળો ભરાય છે. ત્યાં દારૂ વેચવા માટે આવેલા 4 શખ્સોને પોલીસે ઝડપી રૂપિયા 29,465નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

મળતી માહિતી અનુસાર સુબીરના પી.એસ.આઇ કે.કે.ચૌધરી અને સ્ટાફ તાલુકાના શેપૂઆંબા ગામમાં આવેલા પરંપરાગત દેવ સ્થાન કનસર્યા ગઢ મધ્યે પોલીસ પોટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે મેળામાં દારૂ વેચવા આવેલા ગોટું ગુલાબભાઈ ગાયકવાડ (ઉં.વ.28, રહે.ખહટીયાડ,તાલુકો સાફી, જિલ્લો ધુલિયા) પાસેથી વિસ્કીની નાની બોટલ નંગ 18 જેની કિંમત રૂપિયા 2050 થાય છે. તેની બાઈક ડિસ્કવરની કિંમત રૂપિયા 10,000 ગણી રોકડ સહિત ટોટલ 13,440ના મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી હતી.

અશોક રામાભાઈ કુંવર (ઉ.વર્ષ-34, રહે. નાંદરખી પોસ્ટ, ઉમરપાડા તાલુકો, સાફી જિલ્લો ધુલિયા) પાસેથી વિસ્કીની બોટલ નંગ 22 જેની કિંમત રૂપિયા 2160 થાય તે મળી આવતા રોકડ સહિત કુલ રૂ. 3850નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. રવિન્દ્ર નીમાજીભાઈ ગામીત (ઉં.વ.24, રહે. તાલુકો-સોનગઢ, જિલ્લો-તાપી) પાસેથી 20 લીટર દેશી દારૂ જેની કિંમત રૂપિયા 400 થાય છે. તે મળી આવતા સીડી-ડિલક્સ બાઈકની કિંમત રૂપિયા 10,000 ગણી ટોટલ રૂપિયા 10,400 મુદ્દામાલ જપ્ત કરાયોહતો. દિનેશ દિવાનભાઈ ગામીત (ઉ.વ.23, રહે. બોરથવા, તાલુકો-સોનગઢ, જિલ્લો તાપી ) પાસેથી વિસ્કીની બોટલ નંગ 26 જેની કિંમત રૂપિયા 1200 થાય છે તે મળી આવતા રોકડ સહિત પોલીસે રૂપિયા 1875નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. આમ સુબીર પોલીસે ધાર્મિક સ્થળે દારૂ વેચવા આવેલા 4 શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રૂપિયા પાંચ હજાર પકડી ટોટલ રૂપિયા 29,465નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.