સામખિયાળીમાં 4 કલાકના સમયગાળામાં મહિલા પોલીસકર્મીનાં ઘરમાંથી 25 હજારની મતાની થઈ તસ્કરી: પોલીસ બેડામાં દોડધામ
ભચાઉ તાલુકાના સામખિયાળીમાં ચોરે 4 કલાકોના સમયગાળામાં મહિલા પોલીસ કર્મચારીના બંધ મકાનને નિશાને બનાવી રોકડ રકમ, ઘરેણા સહિતની 25 હજારની મતાની તસ્કરીની કરી ગયા હતા . આ બનાવથી પોલીસ બેડામાં ભારે દોડધામ મચી છે. મળતી માહિતી અનુસાર ચોરીની આ ઘટના સામખિયાળીના મહાવીર એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલા બંધ મકાનમાં બની હતી. સામખિયાળી પોલીસ મથકમાં ફરજ બજાવતા ટીનાબેન રમેશભાઈ બોસીયા સાંજે 4 વાગ્યાની વેળામાં નોકરી ઉપર ગયા હતાં. આ દરમ્યાન બંધ મકાનના તાળાં તોડી ચોર અંદર ઘૂસ્યા હતા. મકાનમાંથી રોકડા રૂ. 5000, સોનાની વટી, કાનની બૂટી સહિત રૂ. 15000ની કીમતના દાગીના અને 5000ની કીમતના 15 જોડી કપડા સહિતની મતાની તસ્કરી કરી ગયા હતા. તેઓ રાત્રીના 8 વાગ્યે પાછા ઘરે ગયા ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલાએ ઘટનાસ્થળે જઈને તપાસ શરૂ કરી હતી.