આદિપુરમાં એલ.સી.બી.એ પાણીના પ્લાન્ટમાંથી 1,18,740નો  શરાબ જપ્ત કર્યો; એકની અટકાયત, 3 ફરાર

આદિપુરના વોર્ડ 2-બી વિસ્તારમાં પાણીના પ્લાન્ટ અને બહાર ઉભેલા વાહનમાંથી પોલીસે રૂા. 1,18,740નો અંગ્રેજી શરાબનો જથ્થો કબ્જે કર્યો હતો. એક શખ્સની અટકાયત કરવામાં આવી, 3 ફરાર થયા હતા. આ પ્લાન્ટમાં પૂર્વે પણ દારૂ પકડી પડાયો હતો. આદિપુરના વોર્ડ 2-બી વિસ્તારમાં પ્લોટ નંબર 512માં આવેલ આશાપુરા ડ્રિન્કિંગ વોટર નામની દુકાન બહાર ઉભેલા વાહનમાં દારૂ આવ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે મોડી રાત્રે એલ.સી.બી. દ્વારા  અહીં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બોલેરો નંબર જી.જે. 03-બીવી-9752માંથી દારૂની બોટલો કાઢી પ્લાન્ટમાં રાખતા આ જ વિસ્તારના મુકેશ રમેશ માલી નામના ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ બોલેરોની પાછળની સીટ પાછળ અને સીટના નીચેની તળિયે ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. આ બંને ચોરખાનામાં દારૂ ભરીને અહીં લઈ અવાયો હતો. આ ગાડીમાથી અંગ્રેજી પ્રકારના ભારતીય બનાવટના શરાબની કુલ 242 બોટલ કિંમત રૂા. 1,18,740ની કબ્જે કરાઈ હતી. રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાએ બનેલી અને ફોર સેલ ઈન રાજસ્થાન ઓન્લીની આ બોટલો કોઈ ઈસમ આપીને જતો રહ્યો હતો. પકડાયેલા આરોપી મુકેશ માલીએ જણાવ્યું હતું કે પાણીના પ્લાન્ટના સંચાલક રાજુ ટેકચંદાણી (સિન્ધી) અને માનસિંઘ તોમર ઉર્ફે ગોલુએ આ માલ અહીં મંગાવ્યો હતો. હાથમાં ન આવેલા ત્રણેય ઈસમને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.