અમદાવાદનાં બાપુનગરમાં 2 શખ્સોએ હવામાં ફાયરિંગ કરી આંગડિયા પેઢીના કર્મીના 20 લાખ લૂંટી પલાયન
copy image
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સવારના સમયે આંગડિયા પેઢીનો કર્મચારી પૈસા ભરેલ બેગ લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન બાઇક પર આવેલા 2 ઇસમોએ બંદૂક બતાવી પૈસા ભરેલો થેલો પડાવી લીધો હતો.બાઇક ચાલક લૂંટ કરીને જતા હતા ત્યારે હવામાં ફાયરિંગ કર્યું હતું. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આર અશોક આંગડિયા પેઢીના કર્મચારી ભદ્રેશ પટેલ પોતાના ઘરેથી આંગડિયા પેઢીના 20 લાખ ભરેલો થેલો લઈને આવી રહ્યા હતા તે દરમિયાન આંગડિયા પેઢીમાં જવા તે સિડી ચઢવા જઈ રહ્યા હતા ત્યારે બાઇક પર 2 અજાણ્યા ઇસમો આવ્યા હતા.બંને ઇસમોએ ભદ્રેશભાઈ પાસે આવ્યા અને બંદૂક બતાવી થેલો ઝૂંટવી લીધો હતો.
આદરમિયાન આસપાસના લોકો એકત્ર થતા બાઇક ચાલકે હવામાં ફાયરિંગ કર્યું હતું જેનાથી લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. બંને બાઇક ચાલક લૂંટ કરી ત્યાંથી પલાયન થઈ ગયા હતા. ભદ્રેશભાઈએ પોલીસને જાણ કરતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. બાઇક ચાલક ક્યાંથી આવ્યા હતા અને કઈ બાજુ ગયા તે દિશામાં હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.