નખત્રાણામાં ચોર બન્યા બેફામ: ત્રણ બાઈકની કરાઇ ઉઠાંતરી

copy image

નખત્રાણા નગરમાં સમયાંતરે નિતનવા પ્રકારની ચીરીની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. ચાલુ વર્ષમાં જજ બંગલો સાથે પ્રાંત અધિકારીના મકાનમાંથી તસ્કરો લાખો રૂપિયાની ચોરીને અંજામ આપી ચુક્યા છે તો પાર્ક કરેલી કારમાંથી ચાર ટાયર નીકાળી જવાયાની વિચિત્ર ચોરીની ઘટના પણ પોલીસ ચોપડે નોંધાઇ હતી. ત્યારે શિયાળાની રાત્રિનો લાભ લઈ આવારા તત્વો સક્રિય થયા હોય તેમ ફરી તસ્કરીના બનાવોમાં રાતોરાત વધારો જોવા મળી રહ્યો છે. બે દિવસ પૂર્વે ત્રણ ટ્રકની ટાંકીમાંથી સામુહિક ડીઝલ ચોરી બાદ હવે નગરના ત્રણ સ્થળેથી પાર્ક કરેલી બાઇકો ઉપડી ગઈ છે. જોકે તેમાંથી એક બાઈક પોલીસ મથકેથી મળી આવી છે. જ્યારે બે બાઈક ગુમ થયાનું સામે આવ્યું છે.

ચોરીના બનાવથી લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે

આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ નગરના ધોરમનાથ કોમ્પ્લેક્ષ પાસે ભરત જોશીની પાર્ક કરેલી બાઈક બે દિવસ પહેલા ઉઠાવી જવાયા બાદ હજુ સુધી મળી શકી નથી. તો ગઈકાલે સાંજે 5 થી 8 દરમ્યાન બસ સ્ટેશન પાસે પાર્ક કરેલી દિપક ચંપકલાલ સોનીની બાઈક પણ તસ્કરો ઉઠાવી ગાયની ઘટના બની છે. જ્યારે ઝીલ રેસિડેન્સીમાંથી ઘર બહાર પાર્ક કરેલી કારમાંથી ક્રિકેટના સાધનો ચોરી જવાયા હોવાની ઘટના પણ જાણવા મળી છે. ત્યારે નગરમાં સતત બની રહેલા ચોરીના બનાવોથી લોકોમાં ચિંતા ફેલાઈ છે. સાથેજ પોલીસ તંત્ત દ્વારા વધુ સજાગ બની સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માગ ઉઠી છે