આદિપુર-અંજાર વિસ્તારમાંથી ચીલઝડપ કરેલા પાંચ મોબાઈલ સાથે ત્રણ પકડાયા; પોલીસે આગળની તપાસ હાથ ધરી
આદિપુર તથા અંજાર વિસ્તારમાંથી ચીલઝડપ કરેલા પાંચ મોબાઈલ ફોન સાથે કાયદાનાં સંઘર્ષમાં આવેલા કિશોર સહિત ત્રણ આરોપીઓને આદિપુર પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસને મળેલી બાતમી આધારે અને પેટ્રોલિંગ દરમિયાન સફળતા મળી હતી. આરોપીઓને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ આદિપુર પોલીસ સ્ટાફ્ની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન પીએસઆઈ બી.વી. ચુડાસમાનાઓને મળેલી ચોક્કસ બાતમી હકીકત આધારે તથા નેત્રમ સીસીટીવી ફુટેજ આધારે ચીલ ઝડપનાં ગુનાઓમાં સંડોવાયેલા અંજાર તાલુકાનાં વીડીનાં હરેશ નવીન કોલી, અંજાર તાલુકાનાં દબડાનાં મુકેશ વાલજી કોલી તેમજ કાયદાનાં સંઘર્ષમાં આવેલા એક કિશોરને પકડી પાડ્યો હતો.
આરોપીઓની પુછપરછમાં તેઓએ આદિપુર તથા અંજાર વિસ્તારમાં કુલ પાંચ મોબાઈલ ફોન ચીલઝડપ કરેલા હોવાની કબુલાત કરી હતી. મુદ્દામાલ રીકવર કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં પીએસઆઈ બી.વી. ચુડાસમા, એ.એસ.આઈ ભુપેન્દ્રસિંહ જાડેજા, સંગીતા સાલીયા, પો.હેડ.કોન્સ. વનરાજસિંહ દેવલ, ધર્મેન્દ્રસિંહ સોઢા, દિનેશ પરમાર, વિક્રમસિંહ હડીયોલ, પો.કો હરદેવસિંહ ચુડાસમા, મહેશ ઘોઘળ, અમરત જાખેસરા, ક્રિષ્નાબેન રબારી સહિતનો સ્ટાફ જોડાયો હતો.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ