ઝરપરા વીરશહીદ માણશી સર્કલ નજીક ગાડીનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો

આ અકસ્માત અંગે મુન્દ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત ગઈ કાલે સવારના સાડા પાંચ વાગ્યાના અરસામાં સર્જાયો હતો. ફરિયાદી અલ્તાફ હુશેન સફાયત મિયા તેમના ફઇબાનો દીકરો મકશુદ આલમ અલ્તાફ મિયા તથા મહિન્દ્રા જીતો GJ-12-BZ-1623ના ચાલક રાજેશ આતુભાઈ મહેશ્વરી સાથે ટુંડાથી મુન્દ્રા શાકભાજી લેવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન સાડા પાંચ વાગ્યાના અરસામાં ઝરપરા વીરશહીદ માણશી સર્કલ નજીક પહોચતા ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પુરઝડપે અને બેદકારીથી ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક ખાલી સાઇડનું ટાયર ફાટતાં ચાલકે પોતાનો સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેથી ગાડી રોડની સાઇડમાં પુલિયામાં અથડાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડીના ચાલક તેમજ ગાડીમાં સવાર બંનેને ઇજાઓ પહોચી હતી. ત્યારબાદ ત્રણેયને સારવાર અર્થે અદાણી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે ફરિયાદી અલ્તાફ હુશેન સફાયત મિયાને માથામાં તેમજ શરીરે સાધારણ મૂઢ ઇજાઓ પહોચી હોવાનું જ્યારે મકશુદ આલમ અલ્તાફ મિયાને ડાબા પગમાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોચી હોવાથી મોત નીપજયું હોવાનું જણાવ્યુ હતું. તો ગાડીના ચાલક રાજેશભાઈ આતુભાઈ મહેશ્વરીને ડાબાહાથે ફેકચર જેવી ઇજાઓ પહોચી હોવાનું જણાવ્યુ હતું. પોલીસે ગાડીના ચાલક રાજેશભાઈ આતુભાઈ મહેશ્વરી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.