મુન્દ્રા સર્કલ ટાગોર રોડ પર ટુ-વ્હીલર ડિવાઈડર સાથે અથડાતાં 2ના મોત
મુન્દ્રા સર્કલ ટાગોર રોડ પર જનતા પેટ્રોલપંપની સામે મેસ્ટ્રો GJ-12-CS-1828ના ચાલકે પોતાના કબ્જાનું વાહન પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી ડિવાઇડર સાથે અથડાવતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં વાહન ચાલક તથા સવાર બંનેના મોત નિપજ્યાં હતા.
આ ઘટના અંગે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં સુનિલભાઈ મુકેશભાઈએ ચારણે જણાવ્યુ હતું કે, તા.26-12ના ફરિયાદીના ભાઈ જગદીશ તથા ફઈનો દીકરો પ્રકાશ પોતાની ટુ-વ્હીલર મેસ્ટ્રો GJ-12-CS-1828થી આદિપુર આવી રહ્યા હતા. તે દરમિયાન મુન્દ્રા સર્કલ પાસે જનતા પેટ્રોલપંપની સામે ટાગોર રોડ પર મેસ્ટ્રો ડિવાઇડર સાથે અથડાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ફરિયાદીના ભાઈ જગદીશના માથાના ભાગે તથા છાતીના ભાગે ઇજાઓ પહોચી હતી જ્યારે પ્રકાશને નાની મોટી ઇજાઓ થઈ હતી. બંનેને રામબાગ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત ઘોષિત કર્યા હતા. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.