ખાવડા પાસે ટ્રકે બાઇકને અડફેટે લેતા 3ના મોત

આ અંગે મળતી માહીતી અનુસાર આ અકસ્માત ગઈ કાલે બપોરના સમયમાં સર્જાયો હતો. દિનારાના ત્રણે યુવાન બાઇક નં. જી.જે. 12-બી.એમ. 1534 લઇને દિનારાથી ખાવડા તરફ આવી રહ્યા હતા. બીજી બાજુ  ડમ્પર નં. જી.જે. 36-ટી. 6049 ખાવડાથી બહાર કાઢેલા બાયપાસ રોડ તરફ હતો. કુંવરબેટ રોડ પર એરફોર્સ અને પાણી પુરવઠાના પાણી સંગ્રહના ટાંકા પાસે વળાંક ઉપર બાઇક અને ડમ્પર સામ-સામી આવી જતા ડમ્પર બાઇક પર ફરી વળતા 26 વર્ષીય જબ્બાર મુસા સમા તથા તેનો નાનો ભાઇ 18 વર્ષીય સોયબ તેમજ 21 વર્ષીય પિતરાઇભાઇ મલુક ઇશા જાકબ સમાનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ડમ્પર ચાલક વાહન ત્યાં જ મૂકી નાસી ગયો હતો. ઘટના સ્થળ પર લોકોના ટોળાં એકત્ર થયેલ જોવા મળ્યા હતા. આ ઘટનામાં ત્રણેય યુવાનોના માથા ફાટી ગયા હોવાનું અને આંતરડા શરીર બહાર આવી ગયા જેવી ગંભીર ઇજાઓ પહોચી હતી. ત્રણેયને ખાવડા સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડાયા હતા. ખાવડા પોલીસે આ અંગે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.