કાર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા 5 વર્ષીય બાળકને અડફેટે લેતા બાળકનું કમકમાટીભર્યું મોત નીપજયું

મુન્દ્રા તાલુકાનાં  સમાઘોઘામાં કાર ચાલકે એક 5 વર્ષીય બાળકને અડફેટે લેતા તેનું મોત નીપજયું હતું. આ અંગે મુન્દ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે ફરિયાદ નોંધાવતાં તુલસી ચૌધરીએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓ પોતાના પરિવાર સાથે પંકજકોલોનીમાં સૂર્યાના સમાઘોઘામાં રહે છે. ફરિયાદીનો 5 વર્ષીય પુત્ર રવિકુમાર સાંજે 5 વાગ્યાના અરસામાં રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન પ્રાગપર ચોકડી તરફથી માંડવી તરફ એક અજાણી ફોર વ્હીલ ગાડીએ પોતાની ગાડી બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી આ માસુમ બાળકને અડફેટે લીધો હતો. આ ઘટનામાં બાળકને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોચી  હતી.બાળક રવિકુમારને મુન્દ્રા સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે આ બાળક રવિકુમારને મૃત જાહેર કર્યો હતો. જ્યારે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી નાસી ગયો હતો. મુન્દ્રા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.