ગાંધીધામમાં કસ્ટમે સીઝ કરેલી 15 લાખની સિગારેટ ચોરાઇ !

ગાંધીધામ શહેરના કાસેઝમાં સેક્ટર-2માં કસ્ટમે સીઝ કરેલ સિગારેટના જથ્થામાંથી રૂા. 15,45,000ની સિગારેટ ગોદામની બારી તોડી તસ્કરોએ ચોરી કરી હતી. કસ્ટમની દેખરેખ હેઠળ રખાયેલા મુદ્દામાલની ચોરીના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. શહેરના કાસેઝમાં સેક્ટર-બેમાં શેડ નંબર 416માં લા સ્પિરીટ લીકર ટ્રેડિંગ કંપની આવેલી છે. આ કંપની વિદેશથી સિગારેટ મગાવી તેનું આયાત-નિકાસ કરે છે. આ કંપનીએ ગત ઓક્ટોબર-2022માં કમ્બોડિયાથી રૂા. 58,36,350ની સિગારેટના 219 કેસ (બોક્ષ) મગાવ્યા હતા, જેમાં એક બોક્ષમાં 100 કાર્ટૂન આવતા હોય છે. કંપનીએ આ માલ પોતાના ગોદામમાં રાખ્યો હતો. દરમ્યાન, કસ્ટમ દ્વારા ગત તા. 28/10/2022ના સિગારેટના જથ્થાનું નિરીક્ષણ કરી આ જથ્થો કસ્ટમના નિયમ મુજબનો ન હોવાનું જણાવી કસ્ટમના અધિકારીઓએ આ ગોદામને સીલ મારી પોતાના કબજામાં લઇ લીધું હતું, જેની ચાવી કસ્ટમના અધિકારીઓએ પોતાની પાસે રાખી ગોદામ બહાર સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. બાદમાં તા. 4/2/2023ના કંપનીના ઇ-મેઇલ એડ્રેસ પર કાસેઝમાંથી ઇ-મેલ આવ્યો હતો, જેમાં તમારી કંપનીમાંથી ચોરી થઇ હોવાનું જણાવાયું હતું. જેથી કંપનીમાં કામ કરતા અને બનાવના ફરિયાદી નરેન્દ્રસિંહ મનુભા ઝાલા અહીં દોડી આવ્યા હતા. કસ્ટમના અધિકારીઓને મળી તેમણે આ ગોદામ ખોલાવ્યું હતું. ગોદામમાં તપાસ કરાતાં 219 કેસ પૈકી 58 કેસમાંથી રૂા. 15,45,000ની સિગારેટની ચોરી થઇ ગઇ હોવાનું બહાર આવ્યું હતું. દરમ્યાન, ફરિયાદી અને કસ્ટમના અધિકારીઓએ આસપાસમાં તપાસ કરી હતી, જેમાં ગોદામની એક બારી તૂટેલી જણાઇ આવી હતી. દરમ્યાન, કસ્ટમના સુરક્ષા ઇન્ચાર્જે બારીમાં વેલ્ડિંગનું કામ ચાલુ હોવાનું જણાવ્યું હતું. ફરિયાદી ત્યાં જતાં વેલ્ડિંગનું કામ કરતા માણસો નાસી ગયા હતા. આ ગોદામમાં તપાસ કરાતાં ચાર ચક્રિય વાહનના પૈડાંના તાજા નિશાન પણ મળી આવ્યા હતા. અહીં ખાનગી સુરક્ષાકર્મીઓ તથા ગનમેન હોવાનું કસ્ટમના કર્મીઓએ જણાવ્યું હતું. ફરિયાદીએ કસ્ટમના અધિકારીઓને જથ્થો તમે સીઝ કરેલ છે, તમારા કબજામાં રાખ્યો હતો જેની ચોરી થઇ છે, હવે તમે શું કરશો તેવું પૂછતાં અધિકારીઓએ અમારી કોઇ જવાબદારી નથી, તમને યોગ્ય લાગે તે કરો તેવો જવાબ આપ્યો હતો. કસ્ટમે સીઝ કરેલ અને સુરક્ષા કર્મીઓની હાજરી વચ્ચે રૂા. 15,45,000ની વિદેશી સિગારેટની ચોરીનાં કારણે ભારે ચકચાર પ્રસરી હતી. આ અંગે બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથધરી છે.