ભુજમાં દિનદહાડે એક્ટિવાની ડીકીમાથી 70,000 રૂપિયાની ઉઠાંતરી
ભુજમાં દીનદહાડે એક્ટિવાની ડીકીમાથી 70,000 રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે શામજીભાઈ વેરશીભાઈ મહેશ્વરીએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓ તા.10-2ના પોતાની માલીકીની GJ-12CH-3558 એક્ટિવા દ્વારા બેન્ક ઓફ બરોડામાં પૈસા ઉપાડવા માટે ગયા હતા. ફરિયાદીએ બેંકમાથી 70,000 રૂપિયા ઉપાડી કાપડની થેલીમાં મૂકી એક્ટિવાની ડીકીમાં મૂક્યા હતા. ત્યારબાદ તેઓ પાસબુકમાં એન્ટ્રી કરાવવા માટે બેન્ક ઓફ બરોડા વિજયનગર શાખા એથી નીકળી ન્યુ સ્ટેશન રોડ, ભુજ મધ્યે આવેલ બેન્ક ઓફ બરોડાની શાખામાં આવેલ. ફરિયાદી એન્ટ્રી કરાવ્યા બાદ ભીડ ગેટ પાસે શાકભાજી માર્કેટ આવેલ ત્યારે શાકભાજી ખરીદી ડીકીમાં રાખવા માટે ડીકી ખોલતા ડીકીમાં મુકેલ પૈસાની થેલી જોવા મળી ન હતી. જેથી ફરિયાદીએ ફરી બેંકમાં તથા આસપાસ તપાસ કરતાં પૈસા ક્યાય મળી આવ્યા ન હતા. જેથી ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.