અંતરજાળમાં જાહેરમાં જુગાર રમતા 7 ઇસમોને પોલીસે ઝડપી લીધા
ગાંધીધામ તાલુકાનાં અંતરજાળ ગામમાં આવેલ ગોપાલનગરમાં પોલીસે દરોડો પાડીને જુગાર રમતા 7 ઇસમોને ઝડપી પાડ્યા હતા. આ ઝડપાયેલા ઇસમો પાસેથી રૂ. 1,11,040નો મુદામાલ કબ્જે કર્યો હતો. અંતરજાળના ગોપાલનગરમાં લાઇટના થાંભલા નીચે ગોળ કુંડાળું વાળીને અમુક ઇસમો ગત રાત્રે જુગાર રમી રહ્યા હતા. દરમ્યાન ત્રાટકેલી પોલીસે હબીબ ઉર્ફે અબો અલી મોહમદ કટિયા, રજાક ઉર્ફે કુકડી હુસેન સમા, રમેશ તેજમલ રાઠોડ, દલા ખેંગાર આહીર, વિપુલ માવજી આહીર, ઉમર ઓસમાણ ગગડા અને શંભુ મજાભાઈ ચાવડા નામના ઇસમોને પકડી લીધા હતા. જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા આ ઇસમો પાસેથી પોલીસે રોકડ રકમ રૂ. 82,540 અને મોબાઈલ નંગ 6 એમ કુલ્લ રૂ. 1,11,040 ની માલમતા હસ્તગત કરી હતી. ગાંધીધામ આદિપુરમાં હજુ અનેક જગ્યાએ જુગારના હાટડા ધમધમી રહ્યા છે. ત્યારે આવી જગ્યાએ પણ પોલીસે દરોડા પાડી આવા તત્વોને જેલભેગા કરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.