અંકલેશ્વર : ચોરીનો મુદ્દામાલ વેચવા જતાં બે ઇસમો પોલીસનાં હાથે પકડાયા
અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા બે ઈસમની અટક કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. બને ઇસમો બાતમીના આધારે સિદ્ધિવિનાયક સોસાયટી પાસેથી મુદ્દામાલ લઈને વેચવા જતાં પોલીસનાં હાથે પકડાઈ ગયા હતા.મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વર જી.આઈ.ડી.સીની બાલાજી એવન્યુમાં રહેતા નીલેશ પટેલનું જી.આઈ.ડી.સીની સાંઈનાથ સોસાયટીમાં નવું મકાન આવેલું છે. જે મકાનમાં ગત તા.24 ડીસેમ્બરના રોજ પ્લમ્બર દ્વારા રસોડા અને બાથરૂમના ફટિંગની વસ્તુઓ મૂકી ઘરને લોક કરવામાં આવ્યું હતું. દરમિયાન રાત્રે ઇસમોએ ઘરને નિશાન બનાવી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલ રસોડા અને બાથરૂમના ફટિંગની વસ્તુઓ સહિતના સામાનની ચોરી કરી ભાગી ગયા હતા. આ બાબતે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશને મકાન માલિક નીલેશ પટેલે રૂ. 46,432ના મુદ્દામાલની ચોરી અંગે ફરિયાદ લખાવી હતી.પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તેવામાં પોલીસે બાતમીના આધારે ચોરીના ગુનાને અંજામ આપનાર મૂળ દાહોદનો અને હાલ પ્રતિન ઓવર બ્રીજની બાજુમાં રહેતા ચેતન ઉર્ફે શેતાની ભાભોર અને વાલિયા રોડ ખાતે આવેલા પટેલ પાર્કમાં રહેતા સંતોષ ઉર્ફે બાબુ ઘનશ્યામ શર્માની અટક કરી બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.