જામનગર : રાજસ્થાનથી સપ્લાય થયેલો રૂ. 24.91 લાખનો શરાબ પકડાયો
જામનગર: શહેર-જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે મંગાવવામાં આવેલ વિદેશી શરાબનો તોતીંગ જથ્થો જામનગર એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. જામનગર નજીકના પસાયા બેરાજા ગામે એક બુટલેગરની વાડીમાં રેડ પાડી પોલીસે 10,980 બોટલ શરાબનો જથ્થો જપ્ત કર્યો છે. રૂ.24.91 લાખની કિંમતના આ જથ્થા પ્રકરણમાં જામનગરમાં વધુ પાંચ આરોપીઓની સંડોવણી ખુલવા પામી છે.જામનગરમાં 31 મી ડિસેમ્બર નજીક આવતા બુટલેગરો દર વર્ષે સક્રીય થતા આવ્યા છે. આ વર્ષે થર્ટી ફસ્ટની પાર્ટીઓ યોજાય અને કાયદાનો ભંગ થાય તે પુર્વે પોલીસ દ્વારા શરાબ સંબંધીત વિશેષ ચકાસણી અને તજવીજ પ્રક્રિયા હાથ ધરી આવી છે. જે સંદર્ભે ગત રાત્રે જામનગર નજીકના પસાયા બેરાજા ગામે ચોકકસ હકિકતના આધારે એલસીબી પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં રામદેવસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (રહે. મચ્છરનગર જામનગર) વાળાની વાડીમાં પાડવામાં આવેલી રેડ દરમ્યાન વિદેશી શરાબનો તોતીંગ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વાડી અંદર તપાસ કરતાં રૂ. 18,56,700 ની કિંમતનો 750 એમએલની માત્રામાં ભરેલ 4644 બોટલ તેમજ રૂ.6,33,600 ની કિંમતનો 180 એમએલ માત્રા ભરેલ 6,336 બોટલ શરાબ મળીને કુલ 10,980 બોટલ શરાબનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ. 24,91,200 નો જથ્થો જપ્ત કરી વાડી માલિક રામદેવસિંહની અટક કરી હતી. પોલીસની રેડ દરમ્યાન જે કારમાં શરાબ સપ્લાય કરવામાં આવ્યો છે તે રાજસ્થાની પાસીંગવાળી ટ્રક પણ જપ્ત કરવામાં આવી છે.પ્રાથમીક પોલીસ પુછપરછમાં શખ્સ રામદેવસિંહ દ્વારા જામનગરના વધુ ત્રણ આરોપીઓના નામ આપ્યા છે. જેમાં પ્રહલાદસિંહ સોઢા (રહે.પુનિતનગર), વિજયરાજસિંહ વાઘેલા (રહે. શાંતિનગર) અને યશરાજસિંહ જાડેજા (રહે. શાંતિનગર), રામદેવસિંહનો ભાગીદાર અને કિશોરસિંહ જાડેજા નામના આરોપીઓની સંડોવણી બહાર આવી હતી.પોલીસે આ તમામ આરોપીઓને ફરાર જાહેર કરી આ પ્રકરણના મુળ સુધી પહોંચવા ઝડપાયેલા બુટલેગરને કોર્ટ સમક્ષ રજુ કરી પોલીસ દ્વારા રીમાન્ડ મેળવવાની તપાસ હાથ ધરવામાં આવી હતી.