ભરૂચ : બર્થ-ડે પાર્ટીમાં જામી હતી મહેફિલ, 45 આરોપીઓ પોલીસનાં હાથે પકડાયા
ભરૂચનાં કુકરવાડા નજીક ગત રાત્રે ફાર્મ હાઉસમાં નામચીન બુટલેગરનાં પુત્રની યોજાયેલી બર્થડે પાર્ટીમાં મહેફિલ જામી હતી. જેની વિગતો પોલીસને મળતાં જિલ્લા પોલીસનાં વિવિધ વિભાગોની ટીમોએ સ્થળ ઉપર જઈ રેડ પાડી હતી. મહેફિલમાં પોલીસની હાજરી જોઈ ત્યાં ઉપસ્થિત સૌના હોંશ કોશ ઉડી ગયા હતા. આ મહેફિલમાં પોલીસે કુલ 45 આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી વાહનો સહિત કુલ રૂ.11,26,400નો મુદ્દામાલ જપ્ત કરી તમામની ધરપકડ કરી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી.પોલીસ સૂત્રોમાંથી માહિતી અનુસાર ભરૂચનાં કુકરવાડા ગામના રહિશ ઉમેશ ભગુભાઈ પટેલનાં ફાર્મ હાઉસમાં ભરૂચનાં કુખ્યાત બુટલેગર નિલેશ વિનોદ મિસ્ત્રીનાં દિકરા દીપની ગત રાત્રે બર્થ-ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડાએ તમામ વિભાગનાં પોલીસ અધિકારીઓને આગામી 31 ડિસેમ્બરને લઈને તમામ પ્રકારની પાર્ટીઓ ઉપર વોચ ગોઠવાની સૂચનાને લઈને આ બર્થ-ડે પાર્ટીમાં દરોડો પાડ્યો હતો. જ્યાં પાર્ટીમાં શરાબની મહેફિલનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.બર્થડે પાર્ટીમાં મહેફિલ ભરપુર જામી હતી ને અચાનક જ પોલીસની પાર્ટીમાં એન્ટ્રી થતાં સૌ ચોંકી ઉઠ્યા હતા. આ પાર્ટીમાંથી પોલીસે 45 આરોપીઓ, શરાબ- બિયરનો જથ્થો, 29 મોબાઈલ, 18 વાહનો મળી કુલ રૂ. 11,26,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ વિરૂધ્ધ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.