સામખિયાળી, ગળપાદરમાં 46,000ના શરાબ સાથે બે પકડાયા
ભચાઉ તાલુકાનાં સામખિયાળી તેમજ ગાંધીધામ તાલુકાનાં ગળપાદરમાં પોલીસે દરોડો પાડીને રૂ. 46,000ના શરાબ સાથે બે ઇસમોને દબોચી લીધા હતા. સામખિયાળી પોલીસે સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર ગત ગુરુવારના બપોરના અરસામાં પોલીસ પેટ્રોલીંગમાં હતી તેવામાં વિરાત્રા હોટલ સામે રસ્તા પરથી પસાર થતી કાર નંબર જીજે 12 બીઆર 9733ને ઊભી રખાવીને તેની તલાસી કરવામાં આવી હતી. દરમિયાન કારમાંથી ઇંગ્લિશ શરાબની 108 બોટલ, કિંમત રૂ. 37,800ની મળી આવી હતી. જેથી પોલીસે ચાલક દિનેશ જીલેસિંગ ગુજ્જર ની અટક કરી લીધી હતી અને તેની પાસેથી કાર, શરાબ મળી રૂ.2,37,800 નો મુદામાલ જપ્ત કરી લીધો હતો. શરાબના અન્ય એક બનાવમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગુરુવારના રાત્રના અરસામાં ગળપાદર ગામે દરોડો પાડ્યો હતો. ત્યારબાદ સહારાનગરમાં રહેતો દિનેશ સીતારામ ડાબીના મકાનની તલાસી કરતાં તેમાંથી શરાબની 23 બોટલ, કિંમત રૂ.8,050 ની મળી આવી હતી. જેથી પોલીસે દિનેશની અટક કરી લીધી હતી. વિમળાબેન સીતારામ ડાબી હાજર મળી આવી ન હતી, પરિણામે પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.