અમદાવાદ : સોલામાં ફાર્મ હાઉસમાં જુગારના અડ્ડા પર પીસીબી નો દરોડો ફાર્મના માલિક સહિત 19 ની ધરપકડ
અમદાવાદ સોલા ગામની પાછળ આવેલા નાથીબા ફાર્મ હાઉસમાં જુગારનો અડ્ડો ચાલતો હોવાની માહિતીને આધારે પીસીબીએ અંહી રેડ પાડી હતી. પોલીસે ફાર્મના માલિક મૌલિક ઉર્ફે ભુરો પટેલ સહિત 19 આરોપીની અટક કરીને રૂ.2,30,800 નો મુદામાલ જપ્ત કર્યો હતો. થોડા દિવસ અગાઉ જ પોલીસે સનાથળમાં વૈભવી બંગલોમાંથી 11 આરોપીની અટક કરીને 1.31 કરોડનો મુદામાલ જપ્ત કર્યો હતો. પીસીબીને માહિતી મળી હતી કે સોલા ગામની સીમ પાછળ ઓગણજ રસ્તા પર મૌલિક ઉર્ફે ભુરો પટેલના નાથીબ ફાર્મ હાઉસમાં જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે. જેને આધારે પોલીસે અંહી રેડ પાડીને મૌલિક પટેલ તથા સાયન્સ સિટી રસ્તા પર હેતાર્થ પાર્ટી પ્લોટ ધરાવતા શેલેષ બી. પટેલ સહિત 19 જુગારીઓની અટક કરી હતી. પીસીબીના પી.એસ.આઈ.સી.એમ.ચુડાસમાના જણાવ્યા પ્રમાણે મૌલિક પટેલ છેલ્લા દસ દિવસથી બહારથી લોકોને બોલાવીને જુગારનો અડ્ડો ચલાવતો હતો. તેમની પાસેથી રૂ.93,380 રોકડા અને 22 મોબાઈલ મળીને રૂ.2,30,800 નો મુદામાલ જપ્ત કર્યો હતો. પહેલા અમદાવાદ ગ્રામ્ય પોલીસને એલસીબીએ સનાથળ ગામની સીમમાં મેડોવ્સ-2 ગોકુલધામના વૈભવી બંગલો પર રેડ પાડીને 11 શખ્સોની 1.31 કરોડના મુદામાલ સાથે અટક કરી હતી.