ધ્રોલ: વિદ્યાર્થિનીઓને મળેલ ઈનામની રકમ ઇસમો સ્કૂલમાંથી ચોરી ગયા
ધ્રોલ: જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા મથકે ધોરી માર્ગ પર આવેલ કન્યા વિદ્યાલયની ઓફિસમાંથી ચોરી થવા પામી છે. તાજેતરમાં શાળાની વિદ્યાર્થિનીઓએ રજુ કરેલ કૃતિઓના પ્રોત્સાહન પેટે આવેલ રોકડ રકમ ઈસમઓ ઓફિસના કબાટમાંથી કાઢી ગયા છે. અન્ય મત્તા નહીં મળતા ઇસમોએ ઓફિસમાં આમ તેમ શોધખોળ કરી તમામ સામગ્રી વેરવિખેર કરી નાખી હતી.ધ્રોલ તાલુકા મથક પાસે રાજકોટ ધોરી માર્ગ પર આવેલ આહીર કન્યા વિદ્યાલયમાં રાત્રે બંધ ઓફિસને અજ્ઞાત ઇસમોએ નિશાન બનાવી હતી. શાળાની ઓફિસનું તાળું તોડી અંદર ઘુસી કોઈ ઇસમોએ અંદરના કબાટના દરવાજાને તોડી નાખી સ્ટીલની પેટીમાં રાખવામાં આવેલ રૂ. ૨૩,૩૦૨ની રોકડ રકમ કાઢી લીધી હતી. આ ઉપરાંત વધુ મુદ્દામાલ માટે ઇસમોએ ઓફીસ અંદરની તમામ ચીજ વસ્તુઓ વેરવિખેર કરી નાખી હતી.આ ધટના અંગે બીજા દિવસે શાળાએ ગયેલ ક્લાર્ક બેચરભાઈ ભાલોડીયાને જાણ થઇ હતી. જેને લઈને સ્થાનિક પોલીસને અવગત કરાવવામાં આવી હતી. તાજેતરમાં યોજાયેલ અલગ અલગ શાળાઓ વચ્ચેની સ્પર્ધાઓમાં કન્યા શાળાની બાળાઓએ રજુ કરેલ કૃતિઓને પ્રોત્સાહન રૂપે રોકડ મળી હતી. આ રોકડ રકમ ઇસમો ચોરી કરી ગયા હોવાનું ક્લાર્ક બેચરભાઈએ પોલીસમાં જાહેર કર્યું છે. આ ધટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે દોડી જઈ આગળની તપાસ હાથ ધરી છે.