કિડાણામાં બંધ મકાનમાંથી રૂ.1.69 લાખની ચોરી
ગાંધીધામ તાલુકાનાં કિડાણામાં આવેલી લક્ષ સરોવર સોસાયટીના એક બંધ ઘરને નિશાન બનાવી આરોપીઓ તેમાંથી સોના, ચાંદીના દાગીના અને રોકડ રકમ એમ કુલ રૂ.1,69,000ની મતાની ચોરી કરી નાસી છૂટયા હતા. કિડાણામાં આવેલી લક્ષ સરોવર સોસાયટીના ઘર નંબર 13માં રહેતા અને આર.ટી.ઓ.માં હંગામી નોકરી કરનાર ગોવિંદ કરસન મહેશ્વરીના ઘરે ચોરીની આ ધટના બની હતી. આ યુવાન ગત 29/12ના બપોરના અરસામાં પોતાના કુટુંબ સાથે પોતાના સસરાના ઘરે ભુજ ગયા હતા. જ્યાંથી પાછા આવતા 30/12ના તેમના ધરમાં ચોરી થયાનું પ્રકાશમાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, તેમના બંધ ઘરના તાળાં તોડી આરોપીઓ અંદર ધૂસ્યા હતા. તેમના માતાના કબાટનું લોક તોડી તેમાંથી સોનાની ત્રણ ચેઇન, કાનના બુટીયા, રોકડ રૂ.11,000 તથા આ ફરિયાદીના બેડરૂમના કબાટના તાળાં તોડી તેમાંથી 3 જોડી સાંકળા, હાથના કડા, ચાંદીના ત્રણ ઝુડા, રોકડ રૂ.10,000 તથા બાળકોના બચતના રોકડ રૂ.9000 એમ કુલ રૂ.1,69,000ની મતાની ચોરી કરી આરોપીઓ નાસી છૂટયા હતા.પૂર્વ કચ્છમાં દરરોજ ધરફોડ ચોરીની ધટના બની રહી છે. આરોપીઓ ઠંડીનો લાભ લઈને હાથફેરો કરીને નાસી જતાં હોય છે, પણ પોલીસમાં જોઈએ તેવી ગરમી આવતી નથી. આદિપુરના થયેલી લૂંટ, ગાંધીધામના શક્તિનગર લૂંટ, આદિપુરના જુમાપીર ફાટક પાસે લૂંટ, ભચાઉમાં આંગડિયા કર્મચારી પાસેથી લૂંટની ઘટનાઓ પરથી હજુ પણ પોલીસ પડદો ઊંચકી શકી નથી. વધતાં જતાં આવી ધટનાઓને પગલે લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.