યુવકે બે પુત્રોને ઝેરી દવા પીવડાવી પોતે પણ ફાંસો ખાઈ આપધાત કર્યો
કપરાડા ખાતે એક વર્ષથી ટારઝન ફોટો સ્ટુડિયો ચલાવતા માલિકે પોતાના બે દીકરાને ઝેર પીવડાવી પોતે ફાંસો ખાઈ લીધો છે. મૃતકે થોડા સમય પહેલા મુસ્લિમ મહિલા સાથે પ્રેમ લગ્ન કરી મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો હતો. ત્રણેયના મૃતદેહ કપરાડા ખાતેની તેમની દુકાનમાંથી મળી આવ્યા હતા.મૂળ ચીખલી તાલુકાના અને હાલમાં ધરમપુર ખાતે રહેતા સોહિલ ખાન કપરાડા ખાતે ટારઝન ફોટો સ્ટુડિયો એન્ડ હિના વોચ સેન્ટર ચલાવતા હતા. તેઓ દરરોજ ધરમપુર થી કપરાડા અપડાઉન કરતા હતા. રવિવારે મોડી સાંજે તેમની દુકાનમાં સોહિલ ખાન (32 )પોતે ફાંસો ખાધેલી હાલતમાં તેમજ તેમના મોટો પુત્ર રીહાનખાન સોહિલખાન ઉંમર વર્ષ 9 અને નાનો પુત્ર રીયાખાન સોહિલખાન ઉંમર વર્ષ 5 મૃત હાલતમાં મળી આવ્યા હતા.આ બાબતે પોલીસે આપેલી પ્રાથમિક વિગતો મુજબ સોહિલ ખાને સૌ પ્રથમ બંને બાળકોને ઝેર પીવડાવ્યું હતું અને ત્યારબાદ પોતે ફાંસો ખાઈ લીધો હતો. પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી.પોલીસને મળતી વિગતો મુજબ સોહિલ ખાન અને તેમની પત્ની હિના વચ્ચે છેલ્લા એક-દોઢ વર્ષથી મનભેદ રહેતો હતો. આ પરિવારના બે ફોટો સ્ટુડિયો છે. જેમાં નાનાપોંઢા ખાતેનો ફોટો સ્ટુડિયો તેમની પત્ની ચલાવી રહી હતી અને કપરાડા ખાતેનો ફોટો સ્ટુડિયો સોહિલ ખાન ચલાવતો હતો. સૂત્રોનું એવું પણ કહેવું છે કે સોહિલ ખાનને તેમની પત્ની તેના ફોટો સ્ટુડિયોમાં પ્રવેશ કરવા દેતી ન હતી. આ બનાવમાં પોલીસને જાણ થતાં પોલીસે એફએસએલની ટીમને જાણ કરી હતી.