કોટડા(ચ)માં બંધ ઘરના તાળાં તોડી અડધા લાખની ચોરી
ભુજ તાલુકાનાં કોટડા(ચ)માં બંધ ઘરના તાળાં તોડીને ઇસમોએ રોકડ તથા ધરેણાની ચોરી કરી નાસી ગયા હતા. પદ્ધર પોલીસ સ્ટેશનેથી તથા પરષોતમ વિશ્રામ પોકારની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, તાલુકાના કોટડા(ચ)માં ઉગમણાવાસમાં આવેલ ઉમિયાનગરમાં બંધ મકાનને ઇસમોએ નિશાન બનાવ્યો હતો. ગત તા.12/12થી 22/12 દરમ્યાન ચોરીની આ ઘટના બની હતી. ઉગમણા વાસમાં મકાનના તાળાં તોડીને ઇસમો લોખંડનો કબાટ તોડી તેમાં રાખેલ રોકડ રૂ.20,000 તથા સોનાની સવા તોલની ચેન કિંમત રૂ.30,000 સહિત કુલ રૂ.50,000ની મતાનો સાફરો કર્યો હતો. ઘટના અંગેની જાણ મકાન માલિકને થતાં તેણે અજાણ્યા આરોપીઓ વિરુદ્ર ચોરીની ફરિયાદ પદ્ધર પોલીસ સ્ટેશને નોંધાવી હતી, ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.