પાલેજ કરજણ વચ્ચે આવેલ દેથાણ ગામ નજીક ટ્રેલર-કાર વચ્ચે અકસ્માત : બે લોકોને ઇજા
કરજણ નેશનલ હાઇવે નંબર ૪૮ પર પાલેજ -કરજણ વચ્ચે આવેલા દેથાણ ગામ પાસે આવેલી વિશાલા હોટલ નજીક ગત ટ્રેલર કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી.પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે પ્રવિણભાઇ લક્ષ્મણભાઇ લાઠીયા રહે. સુરત પોતાની સેવરોલેટ કંપનીની કાર જીજે ૦૫ જેસી ૧૭૫૬ લઇને પોતાના ગામ ભોરીંગડા તા. પાલીતાણા જિ. ભાવનગર જઇ રહ્યા હતા ત્યારે પાલેજ કરજણ વચ્ચે આવેલા દેથાણ ગામ પાસે આવેલી વિશાલા હોટલ નજીક એક ટ્રેલર ટ્રક નંબર જીજે આરયુ ૬૫૭૯ના ચાલકે ટ્રેલરને કારની રોંગ સાઇડે ઓવરટેક કરતા ટ્રેલરમાં ભરેલા લોખંડના ગડર ટ્રેલરની ખુલ્લી બોડીમાંથી બહારની સાઇડે હોય તે લોખંડના ગડર કાર પર ભરાઇ જતાં કાર ઊંચી થઈ જવા પામી હતી અને કારનો આગળનો ભાગ રોડ સાથે અથડાતા સંપૂર્ણ દબાઇને ગોબાઇને વળી જવા પામ્યો હતો.કાર ટ્રેલરમાં ફસાઇ જતાં કારચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો.પરંતુ કારમાં સવાર ગૌરવને ડાબા પગે ફેક્ચર તથા ખભાના ભાગે ઈજાઓ પહોંચી હતી જ્યારે પુનમબેનને પીઠના ભાગે સામાન્ય મૂઢ ઇજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા કરજણની આસ્થા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા.જ્યાંથી વધુ સારવાર માટે ગૌરવને સુરતની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. અકસ્માતને પગલે થોડીવાર માટે વાહનવ્યવહારને અસર થવા પામી હતી. અકસ્માત બાદ ટ્રેલર ચાલક સ્થળ ઉપર ટ્રેલર મુકી ફરાર થઈ ગયો હતો.અકસ્માત સંદર્ભે પ્રવિણભાઇએ કરજણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટ્રેલરચાલક વિરૂદ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા ટ્રેલરચાલકના શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.