રાજકોટમાંથી ગર્ભપાતમાં વપરાતી 11.97 લાખની દવાનો જથ્થો પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ
રાજકોટ શહેર પોલીસે પહેલા ગેરકાયદેસર ગર્ભપાત કરતી મહિલા સહિતની ટોળકીને પકડી લીધી હતી. ત્યાં હવે ગર્ભપાતમાં ઉપયોગમાં લેવામાં આવતી બીલ વગરની રૂ. ૧૧, ૯૭,000ની દવાનો જથ્થો કબ્જે કર્યો છે. ક્રાઇમ બ્રાંચે રૈયા ચોકડી નજીક એજન્સી ધરાવતાં ચાર ઇસમોના કબ્જામાંથી આ દવાનો જથ્થો કબ્જે કરી ડ્રગ્સ વિભાગ પાસેથી અભિપ્રાય માંગ્યો છે. ક્રાઇમ બ્રાંચની ટીમે રૈયા ચોકડીથી આગળ શ્યામલ પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલી સહકાર એન્ટરપ્રાઇઝમાં રેડ પાડી કાર્યવાહી કરતાં ખુશી એમટી કિટ લખેલી દવાઓના ૧૭૧ બોક્સ મળ્યા હતાં. જે ગર્ભપાત અને ગર્ભનિરોધક તરીકે ઉપયોગમાં લેવાતી હોવાનું જણાતાં ખોરાક તથા ઓૈષધ નિયમન તંત્રને જાણ કરી ધોરણસરની તપાસ હાથ ધરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે કાર્યવાહી માટે સેમ્પલ આપતાં દવા ગર્ભનિરોધક હોવાનું અને લાયસન્સ વગર આ દવા વેંચવી ગુનો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. પોલીસે દૂકાન સંભાળતા ચાર ઇસમો જતીન મહેન્દ્રભાઇ દેસાઇ, પંકજ ઘનશ્યામભાઇ લિમ્બર્ક, નિમેષ કાંતિલાલ મહેતા તથા ભાવીન વામનભાઇ દેસાઇ સામે કાર્યવાહી શરૂ કરી છે. આ ચારેય પાસે દવાનો જથ્થો કયાંથી આવ્યો? અને તેની પાસે આ દવા વેંચવાનું લાયસન્સ છે કે કેમ? તેમજ આ દવાઓ કેટલા સમયથી ક્યાં-ક્યાં સપ્લાય થાય છે? તે સહિતના મુદ્દે તજવીજ કરવામાં આવી રહી છે.