ગોંડલ નેશનલ હાઈવે પર મેલડી મા ના મંદિર નજીક આર.આર.સેલએ રૂ. 23 લાખનો દારૂ ઝડપાયો
ગોંડલ: ગુજરાતમાં પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો સક્રિય બન્યા હોય જેની સામે રાજ્યની પોલીસે પણ કોલર ચડાવી રેડનો દોર શરૂ રાખ્યો છે. ત્યારે ગોંડલ નેશનલ હાઈવે પર મેલડી માના મંદિર નજીક મહારાષ્ટ્ર પાસિંગની ટ્રક ઊભી રાખી તેની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો અને ટ્રક ડ્રાઇવરની અટક કરી તપાસ હાથ ધરી હતી.પ્રાપ્ત થતી વિગતો અનુસાર રાજકોટ આર.આર.સેલની ગોંડલ નેશનલ હાઈવે પર વિદેશી દારૂનો જથ્થો જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પી એસ આઇ મનીષ વાળાની બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. દરમ્યાન મેલડી માના મંદિર નજીક એમ.એચ 12 એયુ 6135 નંબરનો ટ્રક પસાર થતા તેને ઊભી રાખી તેની તાપસ કરતાં કન્ટેનરમાં છુપાવીને રાખવામાં આવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ 7104 કિંમત રૂ. 30 લાખ તેમજ કન્ટેનર કિંમત રૂ. 10 લાખ મળી કુલ રૂ. 33 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ડ્રાઇવર ચંદ્રશેખર રામસિંહ યાદવ (રહે તુંગારફાંટા શાંતિવલી વસઈ મહારાષ્ટ્ર )ની અટક કરી તપાસ હાથ ધરી હતી. તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનારના નામ તપાસમાં ખૂલશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરાશે તેવું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું. હજુ મોરબી જીલ્લાના રાતીદેવડી ગામ નજીક ૩૮ લાખનો દારૂનો જથ્થો આર.આર.સેલે પકડી લીધા બાદ સતત બીજા દિવસે પણ ગોંડલ પંથકમાંથી આટલો મોટો દારૂનો જથ્થો પકડાતાં સ્થાનિક પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો બીજી તરફ આ તપાસને કારણે સ્થાનિક પોલીસ અધિકારીઓ પર તવાઇ આવી શકે છે.