મોડાસામાં હિટ એન્ડ રનઃ બાઈક ચાલકનું મૃત્યુ થતાં બે માસુમ પુત્રોએ છત્રછાયા ગુમાવી

અરવલ્લી જીલ્લામાં હિટ એન્ડ રનની બનાવોમાં નોંધપાત્ર વધારો થતા નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓ ભોગ બનતા બેફામ વાહનચાલકો સામે જીલ્લા પોલીસતંત્ર લાલ આંખ કરે તે જરૂરી બન્યું છે. મોડાસા-મેઘરજ બાયપાસ રસ્તા પર શલુન ધરાવતા વાળંદ યુવાનની બાઈકને મુન્સીવાડા ગામ પાસે પાછળથી અજાણ્યા વાહને અડફેટે લેતા બનાવસ્થળે પ્રાણ પંખેરું ઉડી જતા પરિવારજનોને અકસ્માતની જાણ થતા દોડી આવ્યા હતા અને રોકોક્કળ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. અકસ્માતના પગલે મોડાસા રૂરલ પોલીસે બનાવસ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પી.એમ.માટે દવાખાને ખસેડી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.મુન્સીવાડા ગામના અને મોડાસા મેઘરજ બાયપાસ રસ્તા પર અનુજ હર કટિંગ શલુન ધરાવતા જગદીશભાઈ મોહનભાઈ વાળંદ શુક્રવારના રાત્રીના અરસામાં સુમારે દુકાન બંધ કરી બાઈક લઈ ઘરે જતા હતા ત્યારે મુન્સીવાડા પાસે મોડાસા તરફથી મેઘરજ તરફ જતા અજાણ્યા વાહનચાલકે પૂરઝડપે ગફલત ભરી રીતે ચલાવી પાછળથી બાઈકને ટક્કર મારતા બાઈકચાલક જગદીશભાઈ રસ્તા પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી બનાવસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.અજાણ્યો વાહનચાલક ટક્કર મારી ગુમ થઈ જતા અકસ્માતના પગલે દોડી આવેલા પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે શોકની લાગણી છવાઈ હતી. અજાણ્યા વાહનચાલકની બેદરકારીના ભોગે બે માસુમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો હતો. અકસ્માતના પગલે દોડી આવેલી મોડાસા રૂરલ પોલીસે મૃતકની લાશને પી.એમ.માટે મોકલી આપી કમલેશભાઈ મોહનભાઇ વાળંદની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી ફરાર વાહન ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *