ઓનલાઇન ફ્રોડ : માંડવીના જથ્થાબંધ વેપારી સાથે ચાર લાખની ઠગાઇ થતાં ચકચાર

copy image

 માંડવીના કરિયાણાના જથ્થાબંધ વેપારીએ ઓનલાઇન માધ્યમ દ્વારા રૂા. 4,17,036 ગુમાવ્યા બાદ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ એલ.સી.બી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી રૂા. 2,06,309 પરત અપાવ્યા હતા. મળેલ માહિતી અનુસાર ફરિયાદી ભાવિનભાઇ રસિકલાલ ગણાત્રાએ ઇન્ડિયા ગેટ બાસમતી રાઇસના વેપાર અર્થે ગૂગલ મારફતે વેબસાઇટ પરથી ટોલ ફ્રી નંબર મેળવ્યા હતા, જેના પર ફોન કરતાં સામે પક્ષે આરોપીએ તેમને માલ મોકલવાની લાલચ આપતા જુદા જુદા ટ્રાન્ઝેક્શન કરાવી કુલ રૂા. 4,17,036 લઇ માલ ન મોકલતાં ઠગાઇ આચરી હતી. ફરિયાદીએ આ અંગે સાયબર સેલનો સંપર્ક કરતાં પોલીસે પત્રવ્યવહાર તથા ટેકનિકલ સંદર્ભો તપાસી તાત્કાલિક 2,06,309 રૂપિયા ફ્રીઝ કરાવ્યા હતા, જે તેમના ખાતામાં જમા થઇ જતાં બાકીની રકમ પરત મેળવવા કામગીરી હાથ ધરી હતી.