અંજાર ખાતે આવેલ નવી દુધઇમાં દુકાનના શટર ઊંચા કરી રોકડ રૂ.1.40 લાખની તસ્કરી થતાં ચકચાર

copy image

 અંજાર ખાતે આવેલ નવી દુધઇ ગામમાં આવેલી કરિયાણાની દુકાનના શટર ઊંચા કરી તસ્કરોએ દુકાનમાથી રોકડ રૂા.1,40,000ની તસ્કરી કરી હતી. નવી દુધઇ ખાતે આવેલ રબારીવાસ વિસ્તારમાં રહેતા હાજા પાલા રબારીની દુકાનમાં નિશાચરોએ ખાતર પાડયું હતું. પોતાની બે દીકરી એક દીકરો અને પત્ની સાથે રહેનાર આ આધેડ ફરિયાદી ગત તા. 1/8ના રાત્રિના જમી પરવારીને સૂઇ ગયેલ હતા અને બીજા દિવસે  સવારે ફરિયાદી પોતાના ઘરના આંગણામાં આવેલી દુકાન બાજુ જતાં દુકાનનું શટર થોડું ખૂલેલું હોતા તેમણે પોતાના ઘરના સભ્યોને આ અંગે પૂછતાં કોઇએ દરવાજો ન ખોલ્યો હોવાનું સામે આવ્યું હતું, જેથી દુકાનદારે ઘરના આંગણામાં આવેલું શટર ખોલી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. દુકાનમાં ગલ્લાના ખાના ખોલી તપાસ કરાતાં તેમાંથી રોકડ રૂા. 1,40,000 ગુમ થયેલ હતા. તસ્કરોએ શટર ઊંચું કરી દુકાનમાંથી રોકડ રૂા. 1,40,000ની ચોરી કરી નાસી ગયા હતા. ચોરીના આ બનાવ અંગે પોલીસે ગત દિવસે સાંજે ફરિયાદ નોધાઈ હતી. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.