સિદ્ધપુરમાં એક સાથે ૪ મકાનોના દરવાજાના નકૂચા તોડી ઇસમોએ ૫૦,000ની મત્તા તસ્કરી
સિદ્ધપુરમાં રાત્રના અરસામાં ઇસમોએ ચાર સિદ્ધપુર હાઇવે પરની સુકન રેસીડેન્સીના એક બંધ મકાનમાં તેમજ રુદ્રાક્ષ સોસાયટીમાં ત્રણ બંધ મકાનોના દરવાજાના નકુચા તોડી બે મકાનમાંથી અંદાજિત રૂ.૫૦,000ના મુદ્દામાલની તસ્કરી થવા પામી હતી. અન્ય બે મકાનોમાં ઇસમોને કંઈ હાથ લાગ્યું નહોતું. આ બાબતે લખાયેલી ફરિયાદના આધારે પોલીસે ઇસમોને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. સિદ્ધપુર હાઇવે પર રાત્રના અરસામાં સુકન રેસિડેન્સીમાં ઘર નંબર ૫૧માં રહેતા પટેલ પ્રકાશભાઈ સોમાભાઈના ઘરે બે મહિલાઓ એકલી હોવાથી તેઓ બાજુના મકાનમાં સુવા માટે ગયા હતા ત્યારે તેમના બંધ ઘરમાં અંદર ઘૂસીને રોકડ રૂ.૧૫,૦૦૦ તેમજ સોના ચાંદીના દાગીના સહિત રૂ.૩૫,૦૦૦ના મુદ્દામાલની તસ્કરી કરી ગયા હતા. જ્યારે રુદ્રાક્ષ સોસાયટીમાં ઘર નંબર ૮માં રહેતા ભદ્રેશકુમાર કાંતિલાલ પ્રજાપતિ, ઘર નંબર ૩૧માં રહેતા કિરીટભાઈ મોદી અને ઘર નંબર ૫૬માં રહેતા નિરંજનભાઈ રામરાજ રોયના બંધ મકાનમાં તાળાં તોડયા હતા.નિરંજનભાઈ રોયના ઘરમાંથી રૂ.૫,000ની રોકડ રકમની તસ્કરી થઈ હતી. અન્ય બે મકાનોમાં ઇસમોને કંઈ હાથ લાગ્યું નહોતું. આ બાબતે પટેલ પ્રકાશભાઈ સોમાભાઈએ લખાવેલી ફરિયાદના આધારે સિદ્ધપુર પોલીસે ઇસમોને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે