ગાંધીધામ શહેરમાં ચોરાઉ મનાતા 51 મોબાઇલ સાથે ચાર ઈસમ ઝડપાયા

copy image

શહેરનાં ટ્રાન્સપોર્ટ નગરમાં મોબાઇલની દુકાનમાં ચોરાઉ મનાતા મોબાઇલ વેચવા આવેલા બે ઇસમો તથા ખરીદનારા બે એમ ચાર ઇસમોને પોલીસે ઝડપી પાડી રૂપિયા 3,50,000ના 51 મોબાઇલ જપ્ત કર્યા હતા. શહેરનાં ટ્રાન્સપોર્ટ નગરમાં આવેલી અંબિકા મોબાઇલ નામની દુકાનમાં સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. મોબાઇલ વેચવા આવેલા નરેશ નારૂ દેવીપૂજક, અનિલ રમેશ દેવીપૂજક તથા વચેટિયા ભરત રામુ દેવીપૂજક અને દુકાન ચલાવતા વોર્ડ-8-એમાં રહેનાર પ્રતીક જગદીશ ઠક્કરને ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા ઇસમો  પાસેથી કુલ કિંમત રૂપયા 3,50,000ના 51 મોબાઇલ હસ્તગત કરવામાં આવ્યા હતા.ગાંધીધામથી ભચાઉ ધોરીમાર્ગ ઉપર પાર્કિંગમાં સૂતેલા ટ્રકચાલકો, મંદિરમાં સૂતેલા લોકો, ઢાબા, હોટેલમાં જમવા આવેલા લોકોના મોબાઇલ સરકાવી લેવાની મોડસ ઓપરેન્ડી આ ઇસમો ધરાવતા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આ ચારેયને ઝડપી પાડી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.