વીજચોરીના આરોપ સાથે કન્યા શિક્ષણ સંકુલને દંડ ફટકારવામાં આવ્યો પરંતુ સંસ્થાના કહેવા અનુસાર સંસ્થાએ ચોરી કરી જ નથી

કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ હસ્તકના તપકેશ્વરી રોડ પર આવેલ કન્યા શિક્ષણ સંકુલમાં પીવાનાં પાણી માટેના બોરના જોડાણમાં વીજચોરી થઈ હોવાનું જણાવીને રૂા. 82.50 લાખનો દંડ આપવામાં આવેલો છે. બીજી તરફ ટ્રસ્ટ દ્વારા જાણવા મળ્યું કે, કયાંય કોઇ વીજચોરી કરેલ જ નથી. મીટરમાં ખિસકોલીના કારણે જોડાણ ઢીલું પડી ગયેલ હતું. સંસ્થાએ વધુ તપાસ અર્થે કોર્ટમાં અરજી કરેલ હતી. આ બાબતે ભુજ ખાતે આવેલ -1 સબ ડિવિઝનના નાયબ ઇજનેર શ્રી ઠક્કર દ્વારા મળેલ માહિતી અનુસાર સંસ્થા દ્વારા વીજભાર વધારાની આવેલી માગણી બાબતે  અમારી ટીમે તપાસ કરતાં મીટરના બંને વાયરમાં છેડછાડ જણાઈ હોવાથી ટ્રસ્ટના પ્રતિનિધિઓની હાજરીમાં મીટર કબજે કરાયા પશ્ચાત લેબોરેટરીમાં રોજમેળ કરી ટ્રસ્ટી સમક્ષ મીટર રીડિંગ વગેરે જોવા મળતાં મીટરમાં ત્રણ વખત છેડછાડ થયાનું સામે આવ્યું હતું. વીજચોરી થઇ હોવાનું સામે આવતા પાંચ ઇજનેરની ટીમ દ્વારા રૂા. 82.50 લાખનો દંડ કરવામાં આવ્યો છે. બીજી તરફ લેવા પટેલ ટ્રસ્ટ દ્વારા જાણવા મળ્યું હતું કે, સંસ્થાના કોઇ કર્મીઓએ આવું કામ કરેલ  નથી. વિજિલન્સ કે કોઇ અધિકારી વીજચોરી ચેકિંગ બાબતે આવ્યા હોય તેવું નથી, પરંતુ કન્યા છાત્રાલયમાં કન્યાઓ અભ્યાસ અર્થે શિફટ થતાં પાણીની વધુ જરૂર ઊભી થયેલ હતી, તેથી સંસ્થાને આ વીજ જોડાણમાં લોડ વધારવાની જરૂર પડતાં વીજલોડ વધારો માગવા અરજી કરવામાં આવેલ હતી. તે બાબતે નવું મીટર નાખી અને જૂનું મીટર પરત લઇ ગયેલ હતા, અને પાછળથી વીજચોરીનો કેસ દાખલ કર્યો છે. મીટર બોક્ષમાં ખિસકોલીનો હયાત માળો મળી આવેલ હોવાને નોંધ પીજીવીસીએલએ કરી છે. ફરિયાદમાં વીજતંત્રે લખાવેલા આરોપ અનુસાર ખિસકોલીના કારણે વીજપ્રવાહ વહન કરતાં ફેસ ઢીલા પડી શક્યા હોય એટલે આ ફરિયાદ સંદર્ભે વધુ તપાસ માટે સંસ્થાએ કોર્ટમાં પણ અરજી દાખલ કરેલ છે. ઉપરાંત પીજીવીસીએલના એમ.ડી.ને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે.