ભાણવડ: હરિયાણાથી સપ્લાય કરાયેલ રૂ.૫૨.૫૫ લાખનો વિદેશી દારૂ એલસીબીએ પકડ્યો

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જીલ્લા એલસીબી પોલીસે ભાણવડ તાલુકાના મોડપર ગામ પાસેથી એક ટ્રકને આંતરી લઇ ૧૩૫૦ પેટી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. જુનાગઢના કુખ્યાત બુટલેગરે ભાણવડના નામીચા બુટલેગરને આ જથ્થો મોકલ્યો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે રૂ.52.55 લાખની કિંમતનો દારૂનો જથ્થા સાથે એક પશ્ચિમ બંગાળ અને અન્ય જુનાગઢના ટ્રકચાલકની અટક કરી છે.જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામના કુખ્યાત બુટલેગર કાના લાખા મોરી તેમજ ભાણવડના પાસ્તરડી ગામના નામીચા બુટલેગર મેરુ રામા કોડીયાતરે હરિયાણાથી વિદેશી દારૂનો મંગાવેલ તોતિંગ જથ્થો ગત સવારના અરસામાં ભાણવડ થઈ જામજોધપુર સપ્લાઈ થવાનો હોવા બાબતની મળતી વિગતોના આધારે દ્વારકા એલસીબીના સ્ટાફ દ્વારા ભાણવડ તાલુકાના મોડપર ગામના પાટિયા નજીક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કેએ ૪૧ એ ૮૫૮૨ નંબરના ટ્રકને આંતરી લઇ પોલીસે તપાસ કરતાં  અંદરથી રૂ.૫૨,૫૫,૫૦૦ની કિંમતનો ૬૭૧૯ બોટલ દારૂ અને ૧૮૯૬૦ નાના ચપલા સહિતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ૧૩૫૦ પેટી દારૂ જપ્ત કરી પશ્ચિમ બંગાળના હુગલીમાં રહેતા ચાલક રામચન્દ્રદાસ મહેશદાસ અને જુનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા કૈલાશ કારા ભારાઈને ઝડપી પાડ્યા હતા.પોલીસે દારૂના જથ્થા સાથે બંને ઇસમોની અટક કરી પ્રાથમિક પૂછપરછ કરી હતી. જેમાં આ જથ્થો ઓમ પ્રકાશ અને મેનેજર બાબજી નામના ઇસમે હરિયાણાથી રવાના કરી જામજોધપુરના વાંસજાળીયાના કુખ્યાત બુટલેગર કાના લાખા મોરી અને ભાણવડના પાસ્તરડી ગામના મેરુ રામા કોડીયાતરે જુનાગઢના કાના ઉર્ફે કાનો બાડો દેવરાજ કોડીયાતર રબારીની મદદથી મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ ત્રણ ઉપરાંત પાંચેય ઇસમો સામે ફરિયાદ નોંધી આ પ્રકરણના મૂળ સુધી પહોચવા  ઝડપાયેલા બંને ઇસમોને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવા સહિતની આગળની તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *