રાપરથી માતાના મઢ તરફ જતી એસ.ટી.ના ચાલકે દારૂ પી બસ દોડાવતાં મુસાફરોનો જીવ તાળવે ચોંટયો : નાસી છૂટલ બસ ચાલકને નખત્રાણા પોલીસે ઝડપી પાડ્યો
copy image
રાપરથી માતાના મઢ રૂટમાં જતી એસ.ટી. બસના ચાલકે પીધેલી હાલતમાં બસ ચલાવતાં 40 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. મંજલથી દારૂ પીધેલી હાલતમાં ચાલકને દેવપર નજીક બસ ઊભી રખાવી મુસાફરો બસથી નીચે ઊતરી ગયેલ હતા અને રાડારાડ કરતાં ચાલક નાસી છૂટયો હતો. પોલીસે બસ ચાલકને પકડી લીધો હતો. આ બાબતે મળેલ માહિતી અનુસાર રાપરથી માતાના મઢ તરફ જતી બસ મંજલ બસ સ્ટેશન પર નિયમ પ્રમાણે રોકાણ કરી નખત્રાણા તરફ જવા રવાના થયેલ હતી. તે દરમ્યાન બસ બેફામ ચાલતાં બસમાં સવાર 40 જેટલા પેસેન્જર ગભરાયા હતા. રફ ડ્રાઇવિંગથી બસ ચાલતાં મુસાફરોના જીવ તાડવે ચોંટયા હતા. હાંફડ-ફાંફડ પેસેન્જરોએ દેવપર યક્ષ પાસે બસને રોકાવી દીધેલ હતી તેમજ તમામ મુસાફરો નીચે ઊતરી ગયેલ હતા.
આ ઘટનાની જાણ નખત્રાણા ડેપોમાં કરાઈ હતી. ફરજ પરના ટ્રાફિક કન્ટ્રોલરે તાબડતોબ બીજા ડ્રાઇવરને મોકલ્યો હતો. રાપર-મઢ બસ ચલાવતો ડ્રાઇવર નાસી છૂટ્યો હતો. નખત્રાણા એસ.ટી. ડેપોના ટીસી ગૌતમભાઇ જોશી પાસેથી ઘટના સંદર્ભે મળેલ માહિતી અનુસાર ગત દિવસે સાંજે 8થી 8.30 દરમ્યાન દેવપર યક્ષથી પેસેન્જરનો ફોન ડેપો મેનેજરને આવતાં બીજા ડ્રાઇવર મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાપર ડેપોમાંથી મળેલી માહિતી અનુસાર ડ્રાઇવરનું નામ નરેન્દ્ર ચાવડા હોવાનું સામે આવ્યું હતું. બનેલ ઘટનાના કારણે બસ એક કલાક દેવપર ગામ નજીક રોકવામાં આવી હતી. નાસી છૂટેલો ડ્રાઇવર અડધા કલાક પછી પરત ફર્યો હતો. ઘટના સંદર્ભે નખત્રાણા પોલીસ મથકે જાણ થતાં પી.આઇ. શ્રી ઠુમર દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. દેવપર યક્ષ વિસ્તારના ગ્રામરક્ષક દળના જવાનોએ ડ્રાઇવરને પકડી નખત્રાણા પોલીસ સ્ટેશને પહોંચાડયો હતો. આગળની તપાસ જારી છે તેવું શ્રી ઠુમર દ્વારા જાણવા મળ્યું હતું. આ અંગે વિભાગીય નિયામક યોગેશ પટેલ દ્વારા જાણવા મળ્યું કે ડ્રાઇવર સામે સસ્પેન્ડ સહિતની કાર્યવાહી કરવામાં આવેલ છે.