પાટણ જિલ્લામાંથી વાહન ચોરી કરતાં બનાસકાંઠાના બે શખ્સોઓ પકડાયા
પાલનપુર સરહદી બનાસકાંઠા જિલ્લામાં એલસીબી પોલીસે વાહન ચોરી કરતી ગેંગને પકડી પાડી ૧૭ જેટલા બાઈક સાથે રૂ.૫.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્સોઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.સરહદી બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીની ધટનામાં નોંધપાત્ર વધારો થયેલો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા આ બાબતે કડક તપાસ કરાતા અગાઉ કાર અને જીપડાલા ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને પકડી લીધી હતી. જ્યારે પોલીસને પાટણ જિલ્લા માંથી બાઈક ચોરી કરતા વધુ બે શખ્સોને ઝડપવામાં સફળતા હાથ લાગી છે. બનાસકાંઠા એલસીબી પોલીસ કાંકરેજ તાલુકામાં મિલકત સંબંધી ગુનાની કાર્યવાહીમાં હતા ત્યારે તેરવાડા ગામની સીમમાંથી શંકાસ્પદ બાઇક સાથે તેરવાડા ગામના શ્રવણજી વિરાજી ઠાકોર અને વડા ગામના રાહુલજી જયંતીજી ઠાકોરને ઝડપી પુછપરછ કરતા તેઓએ પાટણ જિલ્લામાંથી અનેક બાઈક ચોરી કબુલી હતી. પોલીસે તેઓને પાસેથી કુલ ૧૬ બાઈક અને એક એક્ટિવા મળી રૂ.૫.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાની એસ.પી. પ્રદીપ સેજુલે જણાવ્યું હતું.બંને શખ્સો પાટણના અલગ-અલગ વિસ્તારોમાં ફરી બાઈક ચોરી કરી બનાસકાંઠા જિલ્લામાં વેચતા હતા. અત્યાર સુધી પોલીસે ૧૭ જેટલા બાઈક જપ્ત કર્યા છે. જ્યારે બંનેની રિમાન્ડ મેળવી હજુ પણ વધુ કાર્યવાહી હાથ ધરી છે.