કોલવડામાં ચાલતા જુગારધામ પર વીઝીલન્સનો દરોડો : સાત પકડાયા
ગાંધીનગર શહેર પાસે આવેલા કોલવડા ગામમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી. જેના આધારે ગત સાંજન અરસામાં આ સ્ટાફે રેડ પાડતાં વરલી મટકાનો જુગાર રમતાં બે ઇસમોને ઝડપાયા હતા. જ્યારે પાંચ ઇસમોને તીનપતીનો જુગાર રમતાં પકડી પાડયા હતા.વીઝીલન્સના સ્ટાફે ૬૮,000નો મુદ્દામાલ કબ્જે કરીને મુખ્ય સુત્રધાર અશોક ઠાકોરની શોધખોળ શરૂ કરી છે. સ્થાનિક પોલીસના જવાનોની સાંઠગાંઠ વગર જુગારધામ ચલાવવું શક્ય નથી ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા આ અંગે ઈન્કવાયરી પણ શરૂ કરી દેવામાં આવી છે.ગાંધીનગર જિલ્લામાં શરાબ અને જુગારની પ્રવૃતિ બંધ કરવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે ગાંધીનગર શહેર પાસે કોલવડામાં જ સ્થાનિક પોલીસના કર્મચારીઓની મીલીભગતથી જુગારધામ ચાલતું હતું. જેના પગલે આ બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી.કોલવડા ગામની સીમમાં પ્રાથમિક શાળાની પાછળના ભાગે ઓએનજીસીના કુવાથી થોડે આગળ બાવળમાં ગત સાંજના અરસામાં આ જુગારધામ ઉપર મોનીટરીંગ સેલે રેડ પાડી ત્યારે આદરજ મોટી ગામના જુહા રામાજી ઠાકોર અને પેથાપુર શ્રીનાથ સોસાયટીમાં રહેતા કૈલાસ મદનસિંહ ચેલવાને વરલી મટકું રમાડતાં પકડી લીધા હતા.તો તેની સાથે આદરજ મોટી ગામના મેલા સનાજી ઠાકોર, અડાલજના મહેન્દ્ર ચુનીલાલ બારોટ, અડાલજની રોયલ સોસાયટીમાં રહેતા હિતેશ મનોહરલાલ શર્મા, વાવોલની કિર્તીધામ સોસાયટીમાં રહેતા અલ્પેશ દેવાભાઈ બ્રહ્મભટ્ટ અને સે-ર૪ ઈન્દિરાનગરમાં રહેતાં મણી દેવાભાઈ માણીયાને જુગાર રમતાં પકડી પાડયા હતા.આ જુગારનો અડ્ડો ચલાવતો કોલવડાનો અશોક કેશાજી ઠાકોર ભાગી ગયો હતો. પોલીસે આ સ્થળેથી રૂ.૩૧,૨૯૦ રોકડ, 5 મોબાઈલ અને એક સ્કુટી સહિત અન્ય ચીજવસ્તુઓ મળી કુલ ૬૮,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ સંદર્ભે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો લખાવતા પેથાપુર પીએસઆઈએ વધુ કાર્યવાહી શરૂ કરી છે.સ્થાનિક પોલીસની સંડોવણી વગર જુગારધામ ચલાવવું શક્ય નહીં હોવાથી જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આ બાબતની ઈન્કવાયરી પણ સોંપવામાં આવી છે.