ગોંડલ નજીકથી 3.81 લાખના શરાબ ભરેલી બોલેરો સાથે શખ્સ ઝડપાયો
ગોંડલ નજીક ગુંદાળા ચોકડી નજીક રૂરલ એલસીબીના સ્ટાફે બાતમીના આધારે રેડ પાડી બોલેરો જીપમાંથી રૂ. 3.81 લાખના શરાબના જથ્થા સાથે ગોંડલના ઇસમને ઝડપી લીધો છે. જ્યારે બોલેરો ચાલક અને શરાબનો જથ્થો મોકલનારની શોધખોળ આદરી છે. મળતી વિગતો પ્રમાણે રૂરલ એસપી બલરામ મીણાની સુચનાથી એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમીના આધારે ગોંડલ ગુંદાળા ચોકડીથી બસ સ્ટેશન તરફથી એક જીજે 4 એટી 5457 નંબરની બોલેરોને શંકાના આધારે રોકી તપાસ કરતાં તેમાંથી શરબનો જથ્થો મળી આવતા પોલીસે રૂ. 3,81,000ની કિંમતની શરાબની 1126 બોટલો સાથે એક મોબાઈલ તથા બોલેરો જીપ મળી કુલ રૂ. 6,85,200ના મુદામાલ સાથે ગોંડલના વાછરા રોડ પર હરભોલે સોસાયટી નજીક રહેતો અરૂણ નંદલાલભાઈ પરમારને ઝડપી લીધો હતો. જ્યારે બોલેરો ચાલક નાસી છૂટતા તેની શોધખોળ આદરી છે. પોલીસે અરૂણની પૂછપરછ કરતાં કિર્તિરાજસિંહ નામના ઇસમો શરબનો જથ્થો મોકલ્યો હોવાની કેફિયત આપતા ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.એલ.ઝાલાએ કાર્યવાહી આદરી છે.