જામનગર એરપોર્ટ પર 33 લાખના સોનાના સિક્કા સાથે શખ્સ ઝડપાયો
જામનગરના એરપોર્ટ પરથી મુંબઇથી 1 કિલો જેટલો રૂ. 33 લાખના સોનાના સિક્કા સાથે આવેલા રાજકોટના યુવકને ઇન્કમટેક્સ વિભાગની સુચના બાદ એરપોર્ટ પોલીસે પકડીને ઇન્કમટેક્સ અધિકારીઓને હવાલે કર્યા બાદ ગત રાત્રી સુધી તેની પૂછપરછ ઇન્કમટેક્સ ઓફિસના અન્વેષણ વિભાગના અધિકારીઓ દ્રારા કરવામાં આવી હતી. જામનગરના ઇન્ક્મ ટેક્સ વિભાગને મુંબઈથી વિગતો મળી હતી કે, જામનગર એરપોર્ટ ખાતે બપોરના અરસામાં આવતી એર ઇન્ડીયા ફલાઈટમાંથી એક વ્યક્તિ સોનાના સિક્કા સાથે ઉતરવાનો છે. તેવી બાતમીના આધારે ઇન્કમટેક્સ વિભાગ દ્રારા એરપોર્ટ ખાતે પીઆઇજી.પી.પરમારને જાણ કરી હતી. જેથી બાતમી પ્રમાણના વ્યક્તિને પોલીસે ઝડપીને ઇન્કમટેક્સ વિભાગને સોપી દીધો હતો. ઇન્કમટેક્સ વિભાગના સ્ટાફ તેણે તેમની ઓફિસ ખાતે લઈ આવ્યા હતા. તેના કબ્જામાંથી મળેલા અંદાજે રૂ. 33 લાખની કિંમતના સોનાના 1 કિલોના સોનાના સિક્કાઓ જપ્ત કર્યા હતા. અને તેની ગત સાંજ સુધી ઇન્કમટેક્સ ઇન્વીટીગેશનના જોઇન્ટ ડાયરેક્ટર શ્યામલાલ મીનાએ તેમજ નિરીક્ષકો રાજુકુમાર,પ્રમોદકુમાર, સુબોધકુમાર એ ગત સાંજ સુધી પૂછપરછ કરી હતી. સોનાના આટલા માતબર જથ્થા સાથે રાજકોટનો યુવક ક્યાંથી આવતો હતો..? તેણે સોનું કોણે આપ્યું ?તેણે પોતાના માટે ખરીદયું ? કે તે માત્ર કુરીયર છે? ઉપરાંત 33 લાખની બજાર કિંમતના આ સોનાને લગતા બીલ વગેરેની ક્રોસ વેરીફીકેશન સાથેની કાર્યવાહી જામનગર અને મુંબઇથી ઓનલાઈન રહેલા ઉચ્ચધિકારીઓએ કરી હતી.